હાલોલના વરસડા ગામે કુવામાં પડેલ મોરનુ રેસ્કયુ કરાયુ

હાલોલ તાલુકાના વરસડા ગામે ઉંડા કુવામાં પડેલા રાષ્ટ્રિય પક્ષી મોરનુ ફાયર ફાઈટરોની ટીમ દ્વારા જોખમી રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયુ હતુ. તેમજ મોરને સહી સલામત બહાર કાઢી પાવાગઢ ખાતેના રેસ્કયુ સેન્ટરમાં મોકલાયો હતો.

વરસડા ગામે રહેતા ખુમાનસિંહના ખેતરમાં આવેલા કુવામાં રાષ્ટ્રિય પક્ષી મોર અકસ્માતે પડી ગયો હતો. બીજા દિવસે ખેડુત તેમના ખેતરમાં જતાં પાણી ભરેલા અંદાજે 50 થી 60 ફુટ ઉંડા ખાડામાં મોર પડેલો જોવા મળતા તેમણે આસપાસના લોકોને બોલાવી બનાવની જાણ પંચાયતના સદસ્યોને કરતા તેમણે હાલોલ નગરપાલિકાના ફાયર ફાઈટરોને જાણ કરતા ફાયર ફાઈટરની ટીમ આવી પહોંચી કુવામાં પડેલ મોરને બહાર કાઢવા રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. ફાયર ફાઈટરની ટીમે દોરડાંની મદદથી કુવાની અંદર ઉતરી મોરને બહાર લાવવા મથામણ કરી હતી. ભારે જહેમત બાદ આખરે મોરને સહી સલામત રીતે બહાર કાઢી વનવિભાગના અધિકારીના માર્ગદર્શન હેઠળ પાવાગઢ ખાતે ધોબીકુવા રેસ્કયુ સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો.