
હાલોલ-બોડેલી નેશનલ હાઇવે ઉપર એક કાર વૃક્ષ સાથે ભટકાતા કાર ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે. જ્યારે કારમાં સવાર કાર ચાલકની પત્ની ઇજાગ્રસ્ત થતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે બોડેલીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.
પ્રાપ્ય વિગતો મુજબ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ગામના નિશાળ અહેમદ ઈબ્રાહીમ અને તેમના પત્ની હમીદાબેન નિશાળ અહેમદ પાંચ દિવસ પહેલા નૈનીતાલના પ્રવાસે ગયા હતા. જે માટે તેઓ પાવીજેતપુરથી પોતાની કાર લઇ વડોદરા પહોંચ્યા હતા અને ગ્રૂપમાં અમદાવાદ પહોંચી ત્યાંથી પ્રવાસે ગયા હતા. જેઓ ગઈકાલે પરત ફરતા વડોદરા મુકેલી તેમની કાર લઇ પરત પાવી જેતપુર પરત ફરી રહ્યા હતા.

હાલોલ-બોડેલી નેશનલ હાઇવે ઉપર ધનકુવા – કંસારાવાવ ગામ નજીક સવારે તેઓની સેલેરીઓ કાર રોડ ઉપરથી નીચે ઉતરી જતા કાર ઝાડ સાથે ભટકાઈ હતી. જેમાં કાર ચલાવી રહેલા 65 વર્ષીય નિશાર એહમદ દડીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેઓના પત્ની હમીદાબેનને ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે બોડેલીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.