હાલોલ અભેટવા પાસે મોટરસાયકલ ઇકો કાર સાથે ભટકાતા ઈંટવાડી ગામના બે યુવકોના કરુણ મોત

હાલોલ અરાદ રોડ ઉપર અભેટવા પાસે મોટરસાયકલ ઇકો કાર સાથે ભટકાતા થયેલા અકસ્માતમાં ઈંટવાડી ગામના બે યુવકોના કરુણ મોત નિપજ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટનાર બે યુવકો પૈકી એક યુવક હાલોલ ઔદ્યોગિક વસાહતની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. મોડી સાંજે નોકરીથી મિત્રની બાઇક ઉપર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અભેટવા નજીક તેઓની મોટરસાયકલ ઇકો કાર સાથે ભટકાતા થયેલા અકસ્માતમાં બંને યુવકોએ જીવ ગુમાવ્યો હતો. રાત્રે બંને યુવકોના મૃતદેહોને હાલોલ રેફરલ ખાતે લાવવામાં આવ્યા હતા.

રાત્રે અંધારામાં તેઓની મોટરસાયકલ હાલોલ તરફ આવી રહેલી ઇકો કાર સામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અભેટવા ગામ પાસે થયેલા અકસ્માતમાં ઈંટવાડી ગામના 22 વર્ષીય અલ્કેશ શાંતિલાલ ચૌહાણ અને 20 વર્ષીય રોહિત રણછોડ ચાવડાના કરુણ મોત નિપજ્યા હતા. રાત્રે બનેલી અકસ્માતની ઘટનામાં એક જ ગામના બે યુવકોના મોત નિપજતા ગામમાં ઘેરો શોક પ્રસરી ગયો હતો. તો રાત્રે બંનેના મૃતદેહોને રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ત્યાં પણ લોકટોળા એકત્ર થયા હતા.