હાલોલ પાલિકાએ ફાળવેલ જમીન પર બનેલ પ્રાથમિક શાળાને હવે ગેરકાયદેસર ગણી પાલિકાએ નોટિસ પાઠવી

હાલોલ પાલિકા વોર્ડ નં-4માં નવી કોર્ટ પાછળ આવેલ સંખ્યાબંધ સર્વે નંબરોમાં પાલિકાની 387 વિઘા જમીન પર વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ થયુ હતુ. જેમાં એકલટોળા પ્રાથમિક શાળાને પાલિકા તંત્રએ જ જમીન ફાળવ્યાના 19 વર્ષ બાદ દબાણો દુર કરવા પાલિકા દ્વારા શાળાને નોટિસ પાઠવી દિન-7માં પોતાની સ્વેૈચ્છાએ દબાણો દુર કરી દેવા નોટિસ આપતા પંથકમાં ચકચાર સાથે રાજકિય ક્ષેત્રે હડકંપ મચી જવા પામ્યો છે. જેમાં એકલટોળા પ્રા.શાળામાં અભ્યાસ કરતા 146 બાળકોના ભવિષ્ય સામે સવાલો ઉભા થયા છે.

સર્વે નં.-526ની હાલોલ નગરપાલિકાની જમીન પર પાલિકાના તત્કાલિન પ્રમુખની સહીથી પાલિકાના લેટરહેડ પર જાવક નં.-339/5 તા.13/05/2005ના રોજ સામાન્ય સભાની મંજુરીથી વર્ગ બાંધવા તેમજ જમીન ફળવાઈ હતી. શાળાનુ સંચાલક હાલોલ તાલુકા પંચાયત દ્વારા કરાય છે અને શાળામાં આચાર્ય સહિત 6 શિક્ષકોનો સ્ટાફ ફરજ બજાવે છે. જયારે અચરજ પમાડે તેમ શાળાની નગરપાલિકા કે તાલુકા પંચાયતના શિક્ષણ વિભાગમાં કોઈ જ નોંધ ન હોવાનુ તાલુકાના અને પાલિકાના અધિકારીઓએ જણાવ્યુ છે. બીજી તરફ નોટિસ મળ્યા બાદ દબાણકારો પાલિકામાં જવાબ રજુ કરી જણાવ્યુ છે કે,નોટિસમાં વિગતો સાચી નથી અને અમને કબુલ મંજુર નથી. અમે બાપ-દાદાની પેઢીઓથી અહિં સો વર્ષ ઉપરાંતથી વસવાટ કરીએ છીએ. રાજય સરકાર દ્વારા રાજયભરમાં ગેરકાયદેસર ઉભા થયેલા દબાણો દુર કરવાની તંત્રને સુચનાને પગલે તંત્ર કોઈની પણ શહેશરમ વગર દબાણો દુર કરે છે. ત્યારે હાલોલ પાલિકાની જમીન પર વર્ષો જુના સંખ્યાબંધ દબાણો દુર કરવાની કાર્યવાહી પાલિકા માટે પડકારરૂપ બની રહેશે તેવુ જણાઈ રહ્યુ છે.