હલાલ-પ્રમાણિત ખાદ્ય ઉત્પાદનો પર પ્રતિબંધ સામેની અરજી, યુપી સરકાર પાસેથી જવાબ માંગ્યો

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે શુક્રવારે, યુપી સરકારના હલાલ પ્રમાણિત ખાદ્ય ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાની સૂચનાને પડકારતી બે અલગ-અલગ અરજીઓની સુનાવણી કરતી વખતે, ઉત્તર પ્રદેશ સરકાર અને અન્ય લોકો પાસેથી જવાબ માંગ્યો છે. ગયા વર્ષે ૧૮ નવેમ્બરે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, ૨૦૦૬ની કલમ ૩૦ (૨) (છ) હેઠળ ઉત્તર પ્રદેશના કમિશ્ર્નર, ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના કાર્યાલય દ્વારા સૂચના જારી કરવામાં આવી હતી. સૂચના હેઠળ, નિકાસ માટે ઉત્પાદિત ઉત્પાદનો સિવાય, રાજ્યમાં હલાલ પ્રમાણપત્ર સાથેના ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવાનું કહેવામાં આવ્યું હતું.

આ અરજીઓ જસ્ટિસ બીઆર ગવઈ અને સંદીપ મહેતાની બેંચ સમક્ષ સુનાવણી માટે આવી હતી, જેણે ઉત્તર પ્રદેશ સરકાર, કેન્દ્ર અને અન્યને અરજીઓ પર તેમના જવાબો માંગતી નોટિસ જારી કરી હતી. શરૂઆતમાં, બેન્ચે અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા વકીલોને પ્રશ્ન કર્યો હતો કે શા માટે સર્વોચ્ચ અદાલતે બંધારણની કલમ ૩૨ હેઠળની અરજીઓ પર વિચાર કરવો જોઈએ અને શા માટે તેઓએ પહેલા હાઈકોર્ટનો સંપર્ક કરવો જોઈએ નહીં.

અરજદારોમાંના એકનું પ્રતિનિધિત્વ કરતા વકીલે જણાવ્યું હતું કે આ મુદ્દો સમગ્ર ભારતમાં અસરો ધરાવે છે અને વેપાર અને વાણિજ્યને પણ અસર કરે છે. બેન્ચે કહ્યું, ‘હાઈકોર્ટના આદેશની પણ સમગ્ર ભારતમાં અસર થશે. જો એવું માની લેવામાં આવે કે હાઈકોર્ટ દ્વારા કોઈ ચોક્કસ દસ્તાવેજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તો આ પ્રતિબંધ સમગ્ર દેશમાં લાગુ થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આંતરરાજ્ય વેપાર અને વાણિજ્યના મુદ્દા પર પણ હાઈકોર્ટ વિચારણા કરી શકે છે.

વકીલે દલીલ કરી હતી કે આ મુદ્દાની સર્વોચ્ચ અદાલત દ્વારા તપાસ કરવાની જરૂર છે અને તેણે વિચારવું પડશે કે શું આવી સૂચના જારી કરી શકાય છે. તેમણે કહ્યું કે વેપાર, વાણિજ્ય અને ધાર્મિક લાગણીઓ પર અસરની સાથે, જાહેર આરોગ્યનો મુદ્દો પણ છે.