નવીદિલ્હી, કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગના સરકાર પર વિપક્ષના આરોપોનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તીખો જવાબ આપ્યો. વડાપ્રધાને કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ સ્વતંત્ર રીતે કામ કરે છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓનો સરકાર દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાના વિપક્ષના આક્ષેપોને પણ તેમણે ફગાવી દીધા હતા. વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે મની લોન્ડરિંગને રોકવા માટે દેશમાં પહેલેથી જ એક કાયદો અસ્તિત્વમાં છે, પરંતુ વિપક્ષી સરકારોએ તેનો ઉપયોગ કર્યો નથી.
તમિલનાડુમાં એક મીડિયા ચેનલને આપેલા તેમના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ’અમે તપાસ એજન્સીઓના કામમાં ન તો અવરોધ ઉભો કરીએ છીએ અને ન તો તેમની કાર્યવાહીમાં દખલ કરીએ છીએ. તેઓ નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે તપાસ કરે છે. વડાપ્રધાને કહ્યું કે હાલમાં ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહેલા કેસોમાંથી ૩ ટકાથી ઓછા રાજકારણ સાથે સંબંધિત છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ’હાલમાં ED લગભગ ૭૦૦૦ કેસોની તપાસ કરી રહી છે, જેમાંથી ૩ ટકાથી ઓછા રાજકારણ સાથે જોડાયેલા છે. તેમના (વિપક્ષ સરકારના) ૧૦ વર્ષના કાર્યકાળ દરમિયાન ઈડીએ માત્ર ૩૫ લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. તે જ સમયે, અમારી સરકારમાં લગભગ ૨૨૦૦ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાના સરકાર પર વિપક્ષના આરોપો પર પીએમ મોદીએ કહ્યું કે ’તપાસ એજન્સીઓ દ્વારા કેસ નોંધવાની પ્રક્રિયા પહેલા જેવી જ છે અને સત્તામાં કોણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી. વિવિધ વિભાગો પહેલા કેસ નોંધે છે અને પછી જ ઈડી કાર્યવાહી કરે છે.પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ પહેલાથી જ અસ્તિત્વમાં છે, પરંતુ તેઓએ (વિપક્ષે) તેનો ઉપયોગ કર્યો નથી. તેઓએ ન્યાયતંત્રનો એક હથિયાર તરીકે ઉપયોગ કર્યો કારણ કે તેઓ જાણે છે કે ભ્રષ્ટાચાર સામે મોદીની કાર્યવાહી અટકશે નહીં. તેઓ (વિપક્ષ) વિચારે છે કે તેઓ આ સંસ્થાઓને કોર્ટ દ્વારા રોકી શકે છે.