હાટકેશ્ર્વર બ્રિજ મુદ્દે મનપાની સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો, મેયરના ડાયસ પર ચઢી કોંગ્રેસે દર્શાવ્યો વિરોધ

અમદાવાદ,અમદાવાદ મનપાની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો છે. હાટકેશ્ર્વર બ્રિજ મુદ્દે વિપક્ષે સભામાં હલ્લાબોલ કર્યુ હતુ. વિરોધ પક્ષોએ કાળા બેનર સાથે મનપાની સભામાં હંગામો મચાવ્યો હતો. કોંગ્રેસના તમામ કોર્પોરેટરે મેયરના ડાયસ પર ચડી વિરોધ કર્યો હતો. વિપક્ષનો આક્ષેપ છે કે, હાટકેશ્ર્વર બ્રિજ એ ભ્રષ્ટાચારનો પાયો છે. આ બ્રિજના તમામ રિપોર્ટ સામે આવી ગયા હોવા છતા હજુ સુધી કોઈ પગલાં નથી લેવાયા.

અમદાવાદમાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે હોબાળો જોવા મળ્યો. વિપક્ષ દ્વારા હાટકેશ્ર્વર બ્રિજ મામલે અનેક કૌભાંડો થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે સામાન્ય સભામાં પ્રજાની પ્રાથમિક જરુરિયાતોને લઇને ચર્ચા થવી જોઇએ તેના સ્થાને ભાજપ અને કોંગ્રેસના તમામ નેતાઓ આમને સામને આવી ગયા હતા.તેમજ કોંગ્રેસ AMC માં થતા ભ્રષ્ટાચાર બંધ કરવાના બેનર સાથે મેયરના ડાયસ પર ચઢી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

એએમસીમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર બ્રિજ પ્રોજેક્ટમાં થાય છે. આ મુદ્દે વિપક્ષના નેતા દ્વારા પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવાયો હતો. જો કે વિપક્ષના સવાલ પર સત્તાપક્ષ તરફથી કોઈ જવાબ અપાયો ન હતો.જેથી હંગામો વધુ વકર્યો હતો.મહત્વનું છે અમદાવાદમાં ૪૦ કરોડના ખર્ચે બનેલો હાટકેશ્ર્વર બ્રિજમાં અત્યાર સુધીમાં અનેક વાર ગાબડા પડ્યા છે. જેના કારણે ૬ મહિના કરતા વધુ સમયથી આ બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે. જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.