સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં ભારે ગરમીથી અત્યાર સુધીમાં ભારતીય સહિતના ૧૩૦૧ યાત્રીકોના મોત થયા છે. સાઉદી અરેબિયાના આરોગ્ય પ્રધાન ફહાદ અલ-જલાજેલે રવિવારે જણાવ્યું હતું કે આ વર્ષની હજ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૧૩૦૧ લોકોના મોત થયા છે. હજયાત્રીઓ પર્યાપ્ત આશ્રય અથવા આરામ વિના સીધા સૂર્યપ્રકાશમાં લાંબા અંતરની મુસાફરીના કારણે મૃત્યુ પામ્યા હતા.
મૃતકોમાં ઘણા વૃધ લોકો અને લાંબી બીમારીઓથી પીડિત લોકોનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે લગભગ ૮૩ ટકા મૃત્યુ એવા લોકોના થયા છે જેઓ હજયાત્રા કરવા માટે અધિકૃત નથી. આ વર્ષે મક્કામાં ઉનાળાનું તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે, જે હજ યાત્રીઓ માટે કોઈ આફતથી ઓછું નથી.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ વર્ષે હજ યાત્રા દરમિયાન ૯૮ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. વિદેશ મંત્રાલયે આ તમામ લોકોના મૃત્યુનું કારણ બીમારી અને વૃદ્ધાવસ્થાને ગણાવ્યું છે.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો હજ યાત્રાએ જાય છે. આ વર્ષે પણ ૧ લાખ ૭૫ હજાર શ્રદ્ધાળુઓ હજ કરવા માટે સાઉદી અરેબિયા પહોંચ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં ૯૮ લોકોના મોત થયા છે. વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે હજ યાત્રા દરમિયાન ૧૮૭ ભારતીય નાગરિકોના મોત થયા હતા.