
અમદાવાદ, રાજ્યમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી કડકડતી ઠંડી વચ્ચે લોકો ઠંડીથી રાહત મેળવવા તાપણાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે, હજી તો ડિસેમ્બરની શરૂઆત થઈ છે ત્યાં જ કડકડતી ઠંડી શરૂ થતાં લોકો ઠૂંઠવાઈ ગયા છે. આ તરફ અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો. ઠંડા સુસવાટાભર્યા પવનને કારણે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં જ ઠંડીમાં વધારો શરુ થઈ ગયો છે. ઠંડા સૂસવાટાભર્યા પવનને કારણે હિલ સ્ટેશન જેવા માહોલ અને વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસમાં વિઝિબિલિટી ઘટી છે. આ તરફ અમદાવાદનું તાપમાન ૧૯ ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં ૯ ડિગ્રી નોંધાયું છે. આ સાથે ભુજ ૧૫ ડિગ્રી તાપમાન, રાજકોટ ૧૫, વડોદરા ૧૯ ડિગ્રી, ભાવનગર ૨૦ ડિગ્રી તાપમાન નોંધાયું તો સુરતમાં ૨૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે.