હજુ પણ કોરોનાના કારણે વિશ્વમાં દર અઠવાડિયે ૧૭૦૦નાં મોત થાય છે

કોવિડ-૧૯નો ભયાનક તબક્કો પસાર થઈ ગયો છે. જો કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક આંકડો રજૂ કર્યો છે જે હજી પણ આપણને ડરાવવા માટે પૂરતો છે. ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે કોવિડ -૧૯ના કારણે હજુ પણ વિશ્ર્વભરમાં એક સપ્તાહમાં લગભગ ૧૭૦૦ લોકોના મોત થઇ રહ્યા છે. સંસ્થાએ લોકોને રસીકરણ ચાલુ રાખવા માટે પણ વિનંતી કરી છે. ડબ્લ્યુએચઓએના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે રસીકરણની અછતને યાનમાં રાખીને ચેતવણી આપી છે.

યુએન આરોગ્ય એજન્સીના વડાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સતત મૃત્યુ હોવા છતાં, ડેટા દશવે છે કે આરોગ્ય કર્મચારીઓ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં રસીકરણમાં ઘટાડો થયો છે.તેમણે કહ્યું, ડબ્લ્યુએચઓ ભલામણ કરે છે કે સૌથી વધુ જોખમ ધરાવતા જૂથોમાંના લોકોને તેમના છેલ્લા ડોઝના ૧૨ મહિનાની અંદર કોવીડ-૧૯ રસી મળે. ડબ્લ્યુએચઓએ કોવિડને કારણે અત્યાર સુધીમાં૭૦ લાખથી વધુ મૃત્યુની જાણ કરી છે, જોકે કોવિડ રોગચાળાને કારણે મૃત્યુની વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોવાનું માનવામાં આવે છે. વધુમાં, કોવિડ-૧૯એ અર્થવ્યવસ્થાને બરબાદ કરી અને આરોગ્ય પ્રણાલીઓને લકવાગ્રસ્ત કરી દીધી. ડબ્લ્યુએચઓએ સરકારોને વાયરસની દેખરેખ જાળવવા તેમજ લોકોને ભરોસાપાત્ર પરીક્ષણો, સારવાર અને રસી ઉપલબ્ધ હોવાની ખાતરી કરાવવા વિનંતી કરી છે.