હજ યાત્રીઓ માટે સારા સમાચાર, સાઉદી સરકારે ૨૦૨૩ સીઝન માટે અનેક પ્રતિબંધો હટાવ્યા

સાઉદી અરેબિયા,

દર વર્ષે ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો હજ યાત્રા પર સાઉદી અરેબિયા પહોંચે છે. આવી સ્થિતિમાં, સાઉદી અરેબિયાની સરકારે વિશ્ર્વભરમાંથી હજ પર જનારા હજયાત્રીઓને લઈને એક મોટું પગલું ભર્યું છે. સાઉદી સરકારના આ પગલાથી હજ માટે આવતા કરોડો લોકોને ફાયદો થશે. જણાવી દઈએ કે સાઉદી અરેબિયાએ ૨૦૨૩ સીઝન માટે હજ યાત્રીઓની સંખ્યા પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. મીડિયા અહેવાલો અનુસાર, આ વર્ષે કોઈ પ્રતિબંધો ના હોવાને કારણે, આગામી સિઝનમાં સાઉદી અરેબિયામાં હજ યાત્રીઓની સંખ્યા કોરોના મહામારીના પહેલાના સ્તરની બરાબર હશે. સાઉદી અરબના હજ મંત્રીના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયા ૨૦૨૩માં યાત્રાળુઓ પર વય મર્યાદા સહિત કોઈ પ્રતિબંધ લાદશે નહીં.

સાઉદીના હજ અને ઉમરાહ મંત્રી તૌફિક અલ-રબિયાએ હજ એક્સ્પો ૨૦૨૩ના ઉદઘાટન દરમિયાન જાહેરાત કરી હતી કે, આ વખતે હજયાત્રીઓની સંખ્યા, કોરોના મહામારીના સમયગાળા પહેલાની સંખ્યા પર આવી જશે. સ્થાનિક મીડિયા અનુસાર, જો કે, હજ અને ઉમરાહ મંત્રાલયે અગાઉ કહ્યું હતું કે, આ વર્ષે નોંધણી માટે પ્રાથમિક્તા એ લોકોને આપવામાં આવશે જેમણે અગાઉ હજયાત્રા કરી નથી.

૨૬ જૂન ૨૦૨૩થી હજયાત્રા શરૂ થવાની ધારણા છે. હજ યાત્રા એ ઇસ્લામના પાંચ સ્તંભોમાંનું એક છે, જે તમામ સક્ષમ મુસ્લિમોએ ઓછામાં ઓછું એક વાર કરવું જરૂરી છે. ૨૦૧૯ માં, કોરોના મહામારીના કારણે વિશ્ર્વવ્યાપી પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. તે પહેલાં, લગભગ ૨.૬ મિલિયન લોકોએ હજયાત્રા કરી હતી.

સાઉદી અરેબિયાએ ૨૦૨૨ માં ૧૦ લાખ વિદેશી યાત્રાળુઓને આવકારતા પહેલા તેના મર્યાદિત સંખ્યામાં રહેવાસીઓને મંજૂરી આપી છે. જો કે, ૧૮ થી ૬૫ વર્ષની વયજૂથના લોકો જ ગયા વર્ષે હજ કરવા સક્ષમ હતા. જેમણે કોવિડ સામે સંપૂર્ણ રસી અથવા રોગપ્રતિકારક શક્તિ મેળવી હોય અને કોઈ લાંબી બીમારીથી પીડિત ના હોય.