યુપીના રામપુરમાં આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પિતા અને ત્રણ દીકરા સહિત પાંચ લોકોના દર્દનાક મોત થઈ ગયા છે. પત્ની અને એક દીકરો ગંભીર રીતે ઘાયલ છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાથી પરિવારમાં હાહાકાર મચી ગયો છે.
સ્વાર કોતવાલી ક્ષેત્રના મુકરમપુર નિવાસી ૬૦ વર્ષીય અશરફ અલી અને તેમના પત્ની ઝૈતૂન બેગમ હજ પઢવા માટે ગયા હતા. તેઓ બુધવારે હજ પઢીને પરત ફરી રહ્યા હતા. દિલ્હીથી તેમને લેવા માટે તેમનો પુત્ર નક્શે અલી (૪૫), આરીફ ઉર્ફે મહબૂબ અલી (૩૮), ઈન્તેકાફ અલી (૩૦), આસિફ અલી (૨૦) અને ગામના જ ડ્રાઈવર એહસાન અલી (૩૦) ગયા હતા. પરત ફરતી વખતે રામપુર-મુરાદાબાદ રોડ પર મુંઢાપાંડે વિસ્તારમાં કારને રોડબેઝ બસે કચડી નાખી હતી. આ અકસ્માતમાં હાજી સહિત પાંચ લોકોના મોત થઈ ગયા છે. સૌથી નાનો પુત્ર આસિફ અલી અને પત્ની ઝૈતૂન બેગમ ગંભીર રીતે ઘાયલ છે. માહિતી મળતા જ ગામના લોકો ઘટનાસ્થળે રવાના થઈ ગયા હતા. મૃતકોના ઘરમાં હાહાકાર મચી ગયો છે.