હૈદરાબાદમાં ૭૧૨ કરોડની ચાઈનીઝ છેતરપિંડીનો પર્દાફાશ : ૯ની ધરપકડ કરાઇ

  • રિવ્યુ કરવાના બહાને છેતરપિંડી કરતા હતા; આતંકવાદી સંગઠન હિઝબુલ્લા સાથે પણ કનેક્શન.

હૈદરાબાદ, હૈદરાબાદમાં પોલીસે ૭૧૨ કરોડ રૂપિયાની ચાઈનીઝ છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. જેમાં રિવ્યુના બહાને કમાવાની લાલચ આપીને લોકો સાથે છેતરપીંડી કરવામાં આવતી હતી. આ મામલામાં દેશભરમાંથી ૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ ચાઈનીઝ ઓપરેટિવના કહેવા પર કામ કરતા હતા.પોલીસના જણાવ્યા અનુસાર, છેતરપિંડી સંબંધિત કેટલાક ક્રિપ્ટો વોલેટ ટ્રાન્ઝેક્શનની આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ વોલેટ સાથે પણ એક લિંક મળી આવી છે. આ વોલેટ ટેરર ફાયનાન્સ મોડ્યુલ સાથે જોડાયેલું છે .પોલીસે આરોપીઓ પાસેથી ૧૭ મોબાઈલ ફોન, ૨ લેપટોપ, ૨૨ સિમ કાર્ડ, ૪ ડેબિટ કાર્ડ, ૩ ચેકબુક અને ૩૩ કંપનીઓ સાથે સંબંધિત દસ્તાવેજો જપ્ત કર્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ૧૭ મોબાઈલ ફોન, ૨ લેપટોપ, ૨૨ સિમ કાર્ડ, ૪ ડેબિટ કાર્ડ, ૩ ચેકબુક અને ૩૩ કંપનીઓ સાથે સંબંધિત દસ્તાવેજો જપ્ત કર્યા છે.

સાયબર ક્રાઈમ પોલીસે હૈદરાબાદના એક વ્યક્તિની ફરિયાદ પર કેસ નોંધ્યો હતો. તેની તપાસ દરમિયાન જ સમગ્ર મામલો સામે આવ્યો હતો. તે વ્યક્તિને ટેલિગ્રામ પર રિવ્યુ કરવા માટે પાર્ટ ટાઇમ જોબ ઓફર કરવામાં આવી હતી. તેણે વિશ્ર્વાસ મૂક્યો અને વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.શરૂઆતમાં, તેને હજાર રૂપિયાનું રોકાણ કરવા માટેકહેવામાં આવ્યું હતું અને વસ્તુઓને રેટિંગ આપવાનું એક સરળ કામ આપવામાં આવ્યું હતું. આ કામમાં તેને ૮૦૦ રૂપિયાનો નફો થયો. આ પછી વ્યક્તિએ ૨૫,૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યું અને ૨૦,૦૦૦ રૂપિયાનો નફો મેળવ્યો. જો કે, તેમને આ પૈસા ઉપાડવાની મંજુરી મળી ન હતી.

બાદમાં વધુ કમાણી કરવાની લાલચ આપી તેની પાસેથી વધુ રુપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું, પરંતુ આ રુપિયા પરત મળ્યા ન હતા. આ રીતે વ્યક્તિ સાથે રૂ.૨૮ લાખની છેતરપિંડી થઈ હતી. આ ટોળકી આ રીતે લોકોને છેતરતી હતી.ઘણા ઓનલાઈન ફ્રોડ લોકોને નકલી રેટિંગ આપવા માટે પૈસાની ઓફર કરે છે. આવી ઑફર્સ સ્વીકારવાથી છેતરપિંડી થઈ શકે છે. તપાસમાં પોલીસને ખબર પડી કે આ ૨૮ લાખ રૂપિયા ૬ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અહીંથી આ રકમ અલગ-અલગ ભારતીય બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી અને પછી દુબઈ મોકલવામાં આવી હતી. આ રૂપિયાથી ત્યાં ક્રિપ્ટોકરન્સી ખરીદવામાં આવી હતી.

પોલીસે આ કેસમાં અમદાવાદમાંથી એક આરોપીની પણ ધરપકડ કરી છે, જે ચાઈનીઝ ઓપરેટિવ સાથે સંકળાયેલો હતો. આરોપીઓ ભારતીય બેંક ખાતાની વિગતો અને OTP ચાઈનીઝ ઓપરેટરોને મોકલતા હતા. ચીની ઓપરેટરો દુબઈ અને ચીનમાં બેસીને આ ભારતીય ખાતાઓને રિમોટ એક્સેસ એપ દ્વારા ઓપરેટ કરતા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ ૬૫ બેંક ખાતાની વિગતો ચાઈનીઝ ઓપરેટરોને આપી હતી. જેમાં ૧૨૮ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું. તેમજ અન્ય કેટલાક બેંક ખાતાઓ દ્વારા ૫૮૪ કરોડ રૂપિયા ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા. લોકો સાથે છેતરપીંડી કરીને આ રુપિયા ભેગા કર્યા હતા. આ રીતે દેશની જનતા સાથે ૭૧૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.