હાર્ટ એટેકના વધી રહેલા કેસ અને મહિલાઓમાં વધતું કેન્સરનું પ્રમાણ ચિંતાજનક: આનંદીબેન પટેલ

પાટણ, દુર્ગાષ્ટમીના પવિત્ર દિવસે પાટણનાં સંડેર ગામે ખોડલધામ મંદિરની શિલાન્યાસ વિધિ પૂર્ણ થઇ હતી. આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ હાજર રહ્યાં હતા. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલા હાર્ટ એટેકના કેસને લઇ આનંદીબેન પટેલે ચિંતા વ્યક્ત કરી તંત્રને ટકોર કરી હતી.

ખોડલધામના શિલાન્યાસ પ્રસંગે આનંદીબેન પટેલે હાજર લોકોને સંબોધ્યા હતા. પોતાના સંબોધનમાં દેશ અને રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કેસ અને તેનાથી થતા મૃત્યુ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આ સંદર્ભે વિશ્લેષણ થવું જોઇએ એવી પણ ટકોર કરી હતી.

સંબોધનમાં હાર્ટ એટેકના કિસ્સા ઉપરાંત મહિલાઓ પર ભાર મુક્યો હતો, તેમણે મહિલાઓમાં વધી રહેલા કેન્સર વિશે વાત કરી, જેમાં ખાસ કરીને મહિલાઓમાં ગર્ભાશયના કેન્સરને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.

જણાવી દઇએ કે પાટણના સંડેરમાં આજે ખોડલધામ સંકુલની શિલાન્યસ વિધિ યોજાઇ હતી, આ ખોડલધામ સંકુલ સૌરાષ્ટ્રના કાગવડ જેવું જ ભવ્ય હશે. અહીં વિવિધ પ્રકલ્પોનો પણ લાભ લઇ શકાશે. ખોડલધામ ૭૦ વિઘા જમીનમાં ૧૦૦ કરોડના અંદાજિત ખર્ચે ૫ વર્ષમાં બનીને તૈયાર થશે.