હડકાયા કૂતરાએ બચકું ભરતાં 8 વર્ષના માસૂમનું મોત:સંબંધીએ કહ્યું- સારવાર માટે 5 હોસ્પિટલ બદલી પણ પિયુષ ન બચ્યો, આ કૂતરાએ અન્ય 14 લોકોને પણ બચકાં ભર્યાં

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગામમાં એક કરુણ ઘટના સામે આવી છે. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા 8 વર્ષીય પિયુષ હરીશભાઈ મછારનું કૂતરુ કરડ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.થોડા દિવસ પહેલાં શાળાએ જતી વખતે હડકાયા કૂતરાએ પિયુષ પર હુમલો કર્યો હતો, જેમાં તેને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, આ જ કૂતરાએ આસપાસના વિસ્તારમાં અન્ય 14 જેટલા લોકોને પણ બચકાં ભર્યાં હતાં.

​​​​​​​સારવાર માટે પરિવારજનો સૌપ્રથમ ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગયા, પરંતુ ત્યાં રસી ઉપલબ્ધ ન હતી. ત્યાર બાદ બાકોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર, લુણાવાડા સિવિલ હોસ્પિટલ અને ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં રસી અને સરવાર આપવામાં આવી હતી. પરંતુ, યોગ્ય સારવાર ન મળતાં બાળકની તબિયત વધુ ખરાબ થતાં અંતે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

8 વર્ષીય પિયુષનું કૂતરું કરડ્યા બાદ સારવાર દરમિયાન મોત

આ ઘટનાએ આરોગ્ય વ્યવસ્થાની ખામીઓ ઉજાગર કરી છે. કારણ કે, હડકવાની રસી જેવી આવશ્યક દવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ ન હતી. જેથી છેક બાકોરથી 70 કિલોમીટર દૂર ગોધરા જઈ રસી મુકાવી પડી હતી. બાળકના મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.