અલ્હાબાદ, જ્ઞાનવાપી પ્રકરણમાં અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ આવતા જ કાશીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્ઞાનવાપી આગળ લોકોનો જમાવડો શરૂ થયો છે. ૠષિ-મુનિઓ ખુશીમાં શંખ ફૂંક્તા જોવા મળ્યા હતાં. દૂર-દૂરથી ૠષિ-મુનિઓ કાશીમાં આવી રહ્યા છે. લોકો હર હર મહાદેવના નારા લગાવી રહ્યા હતાં. કેટલાક લોકો ભગવાન શિવના શસ્ત્ર ત્રિશુલને લઈને પણ જોવા મળ્યા હતાં
બીજી તરફ, જ્ઞાનવાપી હિન્દુ પક્ષના એડવોકેટ સીતા સાહુએ જણાવ્યું કે અમારા પક્ષમાં ઐતિહાસિક નિર્ણય આવ્યો છે અને હવે જ્ઞાનવાપીમાં સંપૂર્ણ રીતે એએસઆઇ સર્વે કરવામાં આવશે. અગાઉ જે પણ સર્વે કરવામાં આવ્યો હતો તેમાં ઘણી બાબતો બહાર આવી હતી. જેમ કે ત્રિશુલ, ઘડિયાલ, શંખ વગેરે પરંતુ હવે હાઈકોર્ટના નિર્ણય બાદ એસઆઈના સર્વેથી બધું જ સ્પષ્ટ થઈ જશે કે મસ્જિદ હતી કે મંદિર.
વારાણસીમાં પોલીસ દળ સંપૂર્ણ રીતે તૈયાર છે. જ્ઞાનવાપી પર સર્વેના નિર્ણય બાદ સુરક્ષા દળોએ દશાશ્ર્વમેધ પોલીસ સ્ટેશન હેઠળના મદનપુરાથી ગોદૌલિયા સુધી પગપાળા કૂચ કરી હતી. અલાહાબાદ હાઈકોર્ટે વારાણસી સ્થિત જ્ઞાનવાપી સંકુલમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા વૈજ્ઞાનિક સર્વે કરાવવાના વારાણસી જિલ્લા ન્યાયાધીશના નિર્ણયને પડકારતી અંજુમન ઈન્તેજામિયા મસાજિદની અરજીને ફગાવી દીધી છે. વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર સર્વે શુક્રવારથી ફરી શરૂ થશે.