જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટમાં નવી અરજી, પરિસરમાં કથિત શિવલિંગની પૂજા કરવાના અધિકારની માંગણી

ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં (Gyanvapi Mosque Case) મળેલા કથિત શિવલિંગને લગતા મામલાને લઈને સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટ (Supreme Court) પાસે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં કથિત શિવલિંગની પૂજા કરવાનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી છે.

એડવોકેટ વિષ્ણુ શંકર જૈન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે કે, કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટને કથિત શિવલિંગનો કબજો લેવાનો અધિકાર આપવામાં આવે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનની અધ્યક્ષતાવાળી બેન્ચે આ નવી અરજી અને તેનાથી સંબંધિત અન્ય અરજીઓની સુનાવણી માટે 21 જુલાઈની તારીખ નક્કી કરી છે.

તે જ સમયે, જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં સોમવારે વારાણસીની જિલ્લા અદાલતમાં પણ સુનાવણી થઈ શકે છે. અગાઉ, ગુરુવારે યોજાયેલી સુનાવણી દરમિયાન, હિન્દુ પક્ષે દલીલ કરી હતી કે જ્ઞાનવાપી વકફની મિલકત નથી અને હિન્દુ પક્ષનો કેસ સંપૂર્ણ રીતે સુનાવણીને લાયક છે. હિંદુ પક્ષના વકીલોએ કોર્ટમાં દલીલોમાં એમ પણ કહ્યું હતું કે, જ્ઞાનવાપી મસ્જિદ વફ બોર્ડની મિલકત છે તે દર્શાવવા માટે મુસ્લિમ પક્ષે આવા કોઈ પુરાવા રજૂ કર્યા નથી.

ઘણા વર્ષોથી પૂજા થતી હતીઃ હિન્દુ પક્ષ

અગાઉ, વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દલીલ કરતી વખતે, હિન્દુ પક્ષે એવો પણ દાવો કર્યો હતો કે જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં પૂજા સ્થળનો કાયદો લાગુ પડતો નથી. વકીલે એવો પણ દાવો કર્યો છે કે જ્ઞાનવાપીની જે જમીન પર મુસ્લિમ પક્ષ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે તે આદિશ્વર મહાદેવની છે અને તેના પર બળજબરીથી નમાજ પઢવામાં આવી રહી છે. વારાણસી કોર્ટમાં હિન્દુ પક્ષ તરફથી એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં મળેલા કથિત શિવલિંગની પહેલાના સમયમાં ઘણા વર્ષોથી પૂજા થતી હતી.

જિલ્લા કોર્ટ પણ સુનાવણી કરી રહી છે

જિલ્લા અદાલતમાં હિંદુ પક્ષના વકીલોએ દલીલ કરી હતી કે, મંદિર તોડી પાડવામાં આવે તો પણ આદિશ્વરેશ્વરની પૂજા કરવાની મંજૂરી આપવી જોઈએ. આ દરમિયાન લગભગ 2 કલાક સુધી સુનાવણી ચાલી. જણાવી દઈએ કે, જ્ઞાનવાપી મંદિર પરિસરમાં શિવલિંગ હોવાના દાવા બાદ કોર્ટ દ્વારા પરિસરની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આ પછી, હિન્દુ પક્ષે પરિસરમાં સ્થિત વઝુખાનામાં કથિત શિવલિંગ મળ્યાનો દાવો કર્યો હતો. બીજી તરફ, મુસ્લિમ પક્ષ દ્વારા તેને ફુવારો કહેવામાં આવતું હતું. મામલો કોર્ટમાં છે.