
વારાણસી, કોર્ટે આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઇ)ને જ્ઞાનવાપી સંકુલનો સર્વે કરવા અને તેનો રિપોર્ટ રજૂ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. સાથે જ શરતી આદેશ આપ્યો છે કે આ પછી મુદત લંબાવવામાં આવશે નહીં. આ સિવાય જ્ઞાનવાપીના અન્ય તમામ કેસોની સુનાવણી ૧૨ ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે. વ્યાસજીના ભોંયરા સંબંધમાં દાખલ કરાયેલી ટ્રાન્સફર અરજી પર ગુરુવારે સાંજ સુધીમાં આદેશ આવશે.
આ સંદર્ભે એએસઆઇ વતી ભારત સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સેલ અમિત કુમાર શ્રીવાસ્તવે જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્ર્વેશની કોર્ટમાં અરજી કરી હતી. તેમણે કહ્યું કે ૬ ઓક્ટોબર પછી જ્ઞાનવાપીમાં સર્વે માટે વધુ ચાર સપ્તાહનો સમય આપવો જોઈએ. જેને કોર્ટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે.
૨૧ જુલાઈના રોજ કોર્ટે જ્ઞાનવાપીમાં સર્વે કરીને ૪ ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. ૨૪ જુલાઈએ સર્વે શરૂ થયા બાદ પહેલા સુપ્રીમ કોર્ટ અને પછી અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને કારણે ૩ ઓગસ્ટ સુધી કામ અટકી ગયું હતું. તેથી એએસઆઇએ સર્વેની કામગીરી પૂર્ણ કરવા માટે ચાર અઠવાડિયાનો વધુ સમય આપવા વિનંતી કરી હતી. કોર્ટે ૫ ઓગસ્ટે સર્વે રિપોર્ટ રજૂ કરવા માટે વધુ ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો. આ પછી, ૮ સપ્ટેમ્બરના રોજ, કોર્ટે એએસઆઇને સર્વેની કામગીરી પૂર્ણ કરવા માટે ચાર અઠવાડિયાનો વધુ સમય આપ્યો હતો. તેમજ સર્વેની કામગીરી પૂર્ણ કરી ૬ ઓક્ટોબર સુધીમાં રિપોર્ટ જમા કરાવવા જણાવ્યું હતું.