ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી સહિત 7 લોકો પર અબજો ડોલરની છેતરપિંડી અને લાંચના આરોપ લગાવ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે અદાણીએ ભારતમાં સોલર એનર્જી કોન્ટ્રેક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીને 2,000 કરોડ લાંચ આપવાનું વચન આપ્યું હતું.
અદાણી પર લાંચની આ રકમ વસૂલવા માટે અમેરિકન, વિદેશી રોકાણકારો અને બેંકો સાથે ખોટું બોલવાનો આરોપ છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓ અને ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અને વિનીત જૈનનાં નામ પણ આરોપીઓમાં સામેલ છે.
દેશના ધનિક બિઝનેસમેન ગૌતમ અદાણી પર અમેરિકાના સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા છેતરપિંડી અને લાંચના આરોપો મુકાયા બાદ અદાણી ગ્રુપે 600 મિલિયન ડોલર (અંદાજે રૂ. 5066 કરોડ)નો બોન્ડ રદ કરવા નિર્ણય લીધો છે. અમેરિકાના પ્રોસિક્યુટર દ્વારા આરોપો મુકાતાં અદાણી ગ્રુપે બોન્ડની કિંમત નક્કી કર્યા બાદ થોડા જ કલાકોમાં એને રદ કરવાની જાહેરાત કરી છે.
આ સમગ્ર મામલે અદાણી ગ્રીને નિવેદન જારી કર્યું છે કે, અમેરિકાના પ્રોસેક્યુટર અને SEC દ્વારા અમારા બોર્ડના સભ્યો ગૌતમ અદાણી, સાગર અદાણી વિરૂદ્ધ ન્યૂયોર્કની એક યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપોની નોટિસ જારી કરી છે. યુએસ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે અમારા બોર્ડના સભ્ય વિનીત જૈનને પણ તેમાં સામેલ કર્યા છે. આ ઘટનાને ધ્યાનમાં લેતાં કંપનીએ તેનો પ્રસ્તાવિત USD બોન્ડ ઈસ્યુ રદ કરવાનો નિર્ણય લીધો છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રોસિક્યુટર્સ ફોરેન લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓને વોરંટ સોંપવાની તૈયારી કરી રહ્યા છે. બુધવારે જ અદાણીએ 20 વર્ષના ગ્રીન બોન્ડના વેચાણથી $600 મિલિયન એકત્ર કરવાની જાહેરાત કરી હતી. થોડા કલાકો પછી, તેમના પર છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો.
અદાણીનો ભત્રીજો પણ આરોપી
આરોપીઓમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારી તથા ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી અને વિનીત જૈનનું નામ પણ સામેલ છે. આટલું જ નહીં રૉઇટર્સનો દાવો છે કે ગૌતમ અને સાગર અદાણી વિરુદ્ધ ધરપકડનું વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ કેસમાં સિરિલ કેબનેસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.
યુએસ એટર્ની ઓફિસ દ્વારા અદાણી પર લગાવવામાં આવેલા આરોપો…
- 2020 અને 2024 દરમિયાન, અદાણી સહિત તમામ આરોપીઓ ભારત સરકાર પાસેથી સૌર ઊર્જાનો કોન્ટ્રેક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને $250 મિલિયનની લાંચ આપવા સંમત થયા હતા. આ પ્રોજેક્ટથી 20 વર્ષમાં $2 બિલિયનથી વધુનો નફો થવાની અપેક્ષા હતી.
- આ યોજનાને આગળ વધારવા માટે અદાણી ભારત સરકારના એક અધિકારીને મળ્યા હતા. જ્યારે સાગર અને વિનીતે આ યોજના પર કામ કરવા માટે ઘણી બેઠકો કરી હતી. સિરિલ કેબનેસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.
- કોર્ટને કહેવામાં આવ્યું કે આ ચારેયે લાંચ યોજનામાં ગ્રાન્ડ જ્યુરી, એફબીઆઈ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી)ની તપાસ રોકવાનું કાવતરું ઘડ્યું હતું. ચારેય લોકોએ સ્કીમને લગતા ઈમેલ, મેસેજ અને એનાલિસિસ પણ ડિલિટ કરી દીધા.
- અદાણી ગ્રીન એનર્જીએ કોન્ટ્રેક્ટ માટે ભંડોળ પૂરું પાડવા માટે યુએસ રોકાણકારો અને આંતરરાષ્ટ્રીય ધિરાણકર્તાઓ પાસેથી કુલ $3 બિલિયન એકત્ર કર્યા હતા.
ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણીએ બ્રાઉન યુનિવર્સિટી યુએસમાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવી છે. ડિગ્રી પછી સાગર 2015માં અદાણી ગ્રુપમાં જોડાયા. સાગર ગ્રુપના એનર્જી બિઝનેસ અને ફાઇનાન્સનું સંચાલન કરે છે. તે રિન્યુએબલ એનર્જી બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને 2030 સુધીમાં વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની બનાવવાની યોજના ધરાવે છે.
સોમવારે અદાણીના એનર્જી શેરમાં ઘટાડો થયો હતો
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના આરોપો બુધવારે રાત્રે બહાર આવ્યા હોવા છતાં બે દિવસ અગાઉ 18 નવેમ્બરે અદાણી એનર્જીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 1.33 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો.
અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 2.33 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. 1457 રૂપિયા પર બંધ રહ્યો હતો. અદાણી ટોટલ ગેસનો શેર 2.13 ટકાના ઘટાડા સાથે રૂ. 669.60 પર બંધ રહ્યો હતો.