
ભાવનગર, ભાવનગર-સોમનાથ નેશનઈ હાઈવે પર ગુંદરણા ગામના ખેડૂતને સાધુના વેશમાં આવેલા એક ઠગતભગત અને તેના ચેલાએ મંત્ર કરી રૂપિયા પાછા આપી દેવાનું કહીંને બાટલીમાં ઉતાર્યા બાદ બન્ને શખ્સ ૪૨ હજારથી વધુની રોકડ લઈ ફોરવ્હીલમાં ભાવનગર તરફ નાસી ગયા હતા.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના ગુંદરણા ગામે સરકારી દવાખાના પાછળ રહેતા રૂડાભાઈ માવજીભાઈ સેતા (ઉ.વ.૫૮) ગઈકાલે બુધવારે સવારના સમયે તેમનું લ્યુના લઈ મહુવા યાર્ડમાં તેમના શેઠ જુજાભાઈ ટાઢાની દુકાને ડુંગળીના હિસાબના પૈસા તેમજ ડાયાબીટીસીની દવા લેવા માટે ગયા હતા. ત્યાંથી ડુંગળીના હિસાબના રૂા.૧૦,૦૦૦ તેમજ તેમના કાકાના દિકરા રઘાભાઈ ભગવાનભાઈ સેતાના ૩૨,૩૨૦ રૂપિયા તેમના શેઠ પાસેથી લઈ બપોરના સમયે લ્યુના લઈ પરત પોતાના ગામ આવી રહ્યા હતા. આ સમયે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભાદ્રોડ ગામ નજીક માધવ હોટલથી આગળ માહિર ફૂડની સામે પહોંચતા એક સફેદ કલરની ફોરવ્હીલમાં ૩૫-૪૦ વર્ષના ચાલકે વાહન આગળ કરી મોટરસાઈકને ઉભી રખાવી હતી. આ કારમાં પીળું ધોતિયું બાંધેલ એક દિગમ્બર સાધુ (બાવા)એ રૂડાભાઈ સાથે હિન્દીમાં વાત કરી હું રૂપિયા લેતો નથી, તારી પાસે જેટલા રૂપિયા હોય, તે બધા મને આપ હું તને મંત્ર કરી રૂપિયા પાછા આપી દઈશ તેમ કહેતા પ્રથમ તો આધેડને વિશ્ર્વાસ ન હોય તેમણે પૈસા કાઢીને આપ્યા ન હતા. જેથી કાચ ચલાવતા શખ્સે કહેલ કે, સાચો બાવો છે, તમે રૂપિયા આપો તમને પાછા આપી દેશે તેમ વાત કરતા રૂડાભાઈ વિશ્ર્વાસમાં આવી ગયા હતા અને ૧૦ હજાર રૂપિયાનું બંડલ બાવાને આપ્યું હતું. ત્યારે ઠગભગત બાવાએ હજી તારા ખિસ્સામાં રૂપિયા છે, તે બધા આપ તેમ કહેતા કાકાના દિકરાના બીલના હિસાબના રહેલા રૂા.૩૨,૩૨૦ પણ તેમણે બાવાને આપ્યા હતા. આમ કુલ રૂા.૪૨,૩૨૦ આપ્યા બાદ ઠગારાએ ખેડૂત આધેડની ઉપર રાખ નાંખી આશીર્વાદ આપ્યા બાદ ફોરવ્હીલ થોડી હાંક્યા બાદ રૂપિયા પરત આપી દઈશું, અમારે બગદાણા જવું છે તેમ કહીં કાર બગદાણા તરફ હાંકવાના બદલે ભાવનગરના રસ્તે હંકારી મુકી રોકડ રકમ લઈ બન્ને શખ્સ નાસી ગયા હતા. આ બનાવ અંગે રૂડાભાઈ સેતા (ઉ.વ.૫૮)એ બન્ને શખ્સ સામે મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.