ગુનાખોરી રોકવા સરહદ પર સૈનિકોની સાથે મધમાખીઓ પણ તૈનાત થશે

ભારત-બાંગ્લાદેશ સરહદ પર દાણચોરી અને અન્ય ગુનાઓને રોકવા માટે નવી પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનો સરહદ પર મધમાખીઓ ગોઠવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ પ્રકારની પ્રથમ યોજના નદિયા જિલ્લાના સરહદી વિસ્તારમાં શરૂ કરવામાં આવી હતી. આ અનોખા પ્રયોગની મદદથી સરહદ પર સુરક્ષા સુનિશ્ચિત કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સ્થાનિક લોકોને રોજગારીની તકો પણ ઉપલબ્ધ થશે. તમને જણાવી દઈએ કે, ભારત અને બાંગ્લાદેશ 4,096 કિલોમીટર લાંબી સરહદ વહેંચે છે, જેમાંથી 2,217 કિલોમીટર લાંબી સરહદ પશ્ચિમ બંગાળ સાથે છે.

BSFએ આ પ્રોજેક્ટ માટે આયુષ મંત્રાલયને પણ સામેલ કર્યું છે. મંત્રાલયે બીએસએફને મધમાખીઓ અને એલોયથી બનેલી ‘સ્માર્ટ વાડ’ સ્થાપિત કરવા માટે કુશળતા પ્રદાન કરી છે. બીએસએફની 32મી બટાલિયનના કમાન્ડન્ટ સુજીત કુમારે જણાવ્યું હતું કે આયુષ મંત્રાલયને ઔષધીય છોડ આપવા વિનંતી કરવામાં આવી છે જેમાં ફૂલો હોય. આ મધમાખીના મધપૂડાની નજીક વાવેતર કરી શકાય છે, જેથી મધમાખીઓ પુષ્કળ પ્રમાણમાં પરાગનયન કરી શકે.

અધિકારીએ જણાવ્યું હતું કે મધમાખીઓ સ્થાપિત કરવાનો ખ્યાલ 2 નવેમ્બરથી શરૂ થયો હતો. નદિયા જિલ્લામાં સરહદી વિસ્તારોમાં પશુઓની દાણચોરી, સોનું, ચાંદી અને માદક દ્રવ્યોની દાણચોરી જેવા ગુનાઓનું જોખમ વધારે છે. ભૂતકાળમાં આવા અનેક કિસ્સાઓ અહીં પ્રકાશમાં આવ્યા છે, જ્યારે તસ્કરોએ વાડ કાપવાનો પ્રયાસ કર્યો હતો. મધમાખીઓ વાડને કાપવાનો પ્રયાસ કરતા દાણચોરો માટે અવરોધક તરીકે કામ કરશે.

અધિકારીના જણાવ્યા અનુસાર, આયુષ મંત્રાલયે BSFને તુલસી, એકાંગી, સાતમુલી, અશ્વગંધા, એલોવેરા જેવા ઔષધીય છોડ આપ્યા છે. ફોર્સના જવાનો સ્થાનિક લોકો સાથે મળીને વૃક્ષારોપણ કરી રહ્યા છે. આ પહેલને ગ્રામજનો તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે.