ગુલમર્ગ જ્યાં અગાઉ ૫ ફૂટ બરફના થર જામતા ત્યાં હાલમાં દુષ્કાળ જેવી સ્થિતિ

આ વખતે કાશ્મીર ખીણમાં તાપમાન માઇનસ ૩થી ૫ ડિગ્રી સુધી નીચું ગયું હોવા છતાં હજી સુધી બરફવર્ષા નથી થઈ. ‘કાર્પેટ ઑફ સ્નો’ એટલે કે ગુલમર્ગ, સોનમર્ગમાં ગત વર્ષે ૨થી ૫ ફૂટ જેટલા બરફના થર જામ્યા હતા ત્યાં અત્યારે મેદાનો કોરાકટ છે.

આ કારણે પ્રવાસીઓ નિરાશ થયા હોવાનું ગુલમર્ગના ટૂર ઓપરેટર જાવેદ અહેમદે જણાવ્યું હતું. ૧૦થી ૧૨% બુકિંગ કૅન્સલ થઈ ગયાં છે. ૨૦ ફૂટ બરફમાં ઢંકાઈ જતો જોઝિલા માર્ગ બંધ કરવો પડતો હતો, તે અત્યારે ખુલ્લો છે. આ જ સ્થિતિ સમગ્ર હિમાલય વિસ્તારમાં છે. ઉત્તરાખંડ, હિમાચલમાં પણ કહેવાપૂરતો બરફ છે. હેમકુંડ સાહિબ, કેદારનાથમાં ૧ ફૂટથી પણ ઓછો બરફ છે.

લદ્દાખમાં પણ બરફવર્ષા નથી થઈ રહી. પ્રખ્યાત શિક્ષણસુધારક અને ઇજનેર ડૉ. સોનમ વાંગચુકે જણાવ્યું કે લદ્દાખનું લેહ શહેર ખારદોંગ-લા ગ્લેશિયરથી નીકળતાં પાણી પર નિર્ભર છે. દુર્ભાગ્યવશ આ વિશાળ ગ્લેશિયર લુપ્ત થઈ રહ્યું છે. જો સારી બરફવર્ષા નહીં થાય તો પીવાનાં પાણીનું સંકટ આવી શકે છે.

બરફવર્ષા ન હોવાને કારણે કાશ્મીરનાં જંગલોમાંથી ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે. વૃક્ષો સૂકાઈ રહ્યાં છે. આથી નહિવત્ ગરમીમાં પણ વૃક્ષોમાં આગ લાગે છે. તાજેતરના થોડા દિવસોમાં જંગલોમાં ૮ સ્થળે આગ લાગી હતી.

ભારતીય હવામાન વિભાગના મહાનિદેશક મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું કે ડિસેમ્બરથી માર્ચ વચ્ચે ભારતમાં ૪થી ૬ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતાં હોય છે પરંતુ આ વખતે અલ નીનોની અસરને પગલે ડિસેમ્બરમાં એક પણ નથી આવ્યું. આ કારણે વાદળો બંધાયાં નથી.

જમ્મુ-કાશ્મીર હવામાન વિભાગના નિદેશક ડૉ. મુખ્તાર અહેમદના કહેવા પ્રમાણે અલ નીનોને કારણે બરફ ઓછો છે. દરિયાનું તાપમાન ૦.૫ ડિગ્રી વધ્યું છે. આ કારણે હવામાનનો મિજાજ બદલાયો છે.પૃથ્વી વિજ્ઞાની શકીલ અહેમદ કહે છે કે ગ્લોબલ વોર્મિંગને પગલે ૨૧મી સદીના અંત સુધીમાં કાશ્મીરમાં ૪૦ દુષ્કાળ પડી શકે છે.કાશ્મીરમાં ૧૫ જાન્યુઆરી સુધી આવી જ સ્થિતિ રહેશે. મહિનાના અંતે બરફ નહીં પડે તો દુષ્કાળ આવી શકે એમ છે.

કાશ્મીરમાં બરફ વિનાનો શિયાળો ચાલી રહ્યો હોય તેવું છેલ્લાં ૧૦ વર્ષમાં ત્રીજી વાર થઈ રહ્યું છે. ૨૦૧૫માં ડિસેમ્બર-જાન્યુઆરીમાં તો ૨૦૧૭માં ડિસેમ્બર કોરો નીકળ્યો હતો.