છેલ્લા ઘણા સમયથી ગુજરાતના દરિયાકિનારે બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળી આવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ડ્રગ્સ મળવાની ઘટનાને પગલે ગુજરાત હવે સમગ્ર દેશમાં ચર્ચાના ચકડોળે ચડ્યું છે. ગુજરાતના દરિયાકિનારે વારંવાર મળી રહેલા બિનવારસી ડ્રગ્સને પગલે વિવિધ આશંકાઓ પ્રવર્તી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાના દરિયા કિનારેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત્ છે.
મળતી વિગતો મુજબ, તિથલ દરિયા કિનારા નજીકથી ચરસનું ૧ પેકેટ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. અંદાજે ૧ કરોડની કિંમતનું ૧.૧૦૦ કિલોનું ચરસનું પેકેટ મળી આવ્યું છે. તિથલ દરિયા કિનારે ચરસનો જથ્થો મળી આવતા પોલીસ વિભાગ તેમજ એજન્સીઓ સતર્ક બની જવા પામી હતી. આ સમગ્ર મામલે વલસાડ પોલીસે તપાસ હાથ ધરી છે. આ સાથે જ જિલ્લાના ૭૦km ના દરિયા કિનારે સઘન પોલીસ ચેકિંગ હાથ ધરાયું છે.
જણાવી દઈએ કે, વલસાડના દરિયા કિનારેથી અત્યાર સુધી ચરસના ૩૧ પેકેટ મળી ચૂક્યા છે. આ અગાઉ અંદાજે ૧૭ કરોડ રૂપિયાથી વધુનું ચરસ મળી ચૂક્યું છે. આ અગાઉ વલસાડ તાલુકામાં આવેલ ભાગલ ગામના દરિયા કિનારેથી કુલ ૨૧ ચરસના પેકેટ મળી આવ્યા હતા. કુલ ૨૧,૭૮૦ કિલો ચરસ મળી આવ્યું હતું, જે અંગે વધુ તપાસ તમામ એજન્સીઓ દ્વારા કરાઈ હતી. આ સાથે જ અગાઉ ઉદવાડા અને ડુંગરી દરિયા કિનારેથી ચરસના પેકેટ મળી આવ્યા છે. જેમાં ૧૦ જેટલા પેકેટ પોલીસે બિનવારસી હાલતમાં કબજે કર્યા હતા.
મહત્વનું છે કે, સામાન્ય રીતે કચ્છના અખાત અને ભાવનગર જેવા દરિયા કિનારે ડ્રગ્સના બિનવારસી જથ્થા અગાઉ મળ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ હવે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આવા પેકેટ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.