ગુજરાત એસ.ટી. દ્વારા 10 વર્ષ બાદ પ્રતિ કિમી 20 થી 25% ભાડું વધાર્યું,આજથી જ ભાડું વધારો લાગુ.

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)દ્વારા ચલાવતી બસ સેવાનાં ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે. 2014 બાદ પહેલીવાર ભાડામાં વધારો કરાયો હોવાનો નિગમ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ લાગુ થનારાં ભાડાંમાં 48 કિમી સુધી રૂ. એકથી લઈને 6 રૂપિયા સુધીનો વધારો થશે. રાજ્યમાં રોજ 10 લાખ લોકો બસની મુસાફરી કરતા હોય છે. આજે મધરાતથી એસટી બસ ભાડાંનો વધારો લાગુ પડશે. 48 કિમીથી વધુની મુસાફરી કરનાર મુસાફરોને 20 ટકા સુધી વધુ ભાડું ચૂકવવું પડશે.

ગુજરાત એસટી નિગમના મેનેજિંગ ડાયરેક્ટર એમ કે ગાંધીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એસ.ટીનું છેલ્લા 10 વર્ષથી ભાડું વધ્યું નથી. અન્ય રાજ્યોની સરખામણીમાં આપણું ભાડું ખૂબ જ ઓછું વધ્યું છે. પ્રતિ કિલોમીટર 20થી 25 ટકા જેટલો વધારો ભાડામાં કરવામાં આવ્યો છે. ગુજરાત એસટીનું મિનિમમ ભાડું હાલમાં સાત રૂપિયા છે. જે હવે ભાવવધારો થતાં 9થી 9.50 રૂપિયા જેટલું થશે. એસી સ્લીપર અને સીટર બસોમાં પણ આજ ભાડાના દર યથાવત રહેશે.

ગુજરાત એસટી નિગમના જણાવ્યા મુજબ, છેલ્લાં દસ વર્ષથી એસટીનાં ભાડાંમાં વધારો કરવામાં આવ્યો નથી. ડીઝલ, મોંઘવારી ભથ્થા, ચેસીસ અને ટાયરોના ભાવમાં વધારો થતાં ભાડાવધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2014થી આજ દિન સુધી એસટી નિગમ પર આર્થિક ભારણ વિવિધ કારણોસર વધી ગયું છે, જેના કારણે હવે ભાડાં વધારાનો નિર્ણય લેવાની જરૂરિયાત ઊભી થઈ હતી.