
પાકિસ્તાન દ્રારા સતત ખૂસણખોરી અને ડ્રગ્સનું દૂષણ ભારતમાં ઘૂસાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુરૂવારે કચ્છના દરિયાઇ વિસ્તાર જખૌમાંથી 8 પાકિસ્તાની નાગરિક સાથે 30 કિલો હેરોઇન જપ્ત કર્યું હતું. કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન કરીને ગુજરાતમાં હેરોઇન ઘુસાડવાનું મોટું ષડયંત્ર ઝડપી પાડ્યું છે. 30 કિલો હેરોઈનનો આંતરરાષ્ટ્રીય બજાર ભાવ 150 કરોડની આસપાસનો હોવાનું અનુમાન છે.
ઈન્ડિયન કોસ્ટગાર્ડના અનુસાર, આ ઓપરેશન ગુજરાત એટીએસની સાથે મળીને પાર પાડવામાં આવ્યું છે. ગુરુવારે જખૌ બંદર પાસેથી એક બોટ પકડાઈ હતી. જેમાં 8 પાકિસ્તાની નાગરિકો સવાર હતા અને તેમની પાસેથી 30 કિલો હેરોઈન પકડાયું હતું. આ પાકિસ્તાની બોટ ભારતીય જળક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી રેખાની નજીક પકડાઈ હતી.
કોસ્ટગાર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, હાલ બોટ હજી પણ સમુદ્રમાં છે. તેને દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત તપાસ માટે કિનારે લાવવામાં આવશે. બોટમાં સંતાડવામાં આવેલી વસ્તુઓની યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે.