ગુજરાતના DGPની નવી પહેલ:ગોધરામાં પ્રથમવાર ક્રાઈમ કોન્ફરન્સ; 16થી વધુ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર

ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયે એક નવતર પહેલ કરી છે. તેમણે પરંપરાગત રીતે અમદાવાદ-ગાંધીનગર સુધી સીમિત રહેતી ક્રાઈમ કોન્ફરન્સને રાજ્યના અન્ય શહેરોમાં લઈ જવાનું શરૂ કર્યું છે.

આ પહેલના ભાગરૂપે, આજે ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. કોન્ફરન્સ સવારે 10 વાગ્યાથી મોડી સાંજ સુધી ચાલશે.

આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યભરમાંથી 16થી વધુ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ભાગ લીધો. તેમાં 9 ઇન્સ્પેક્ટર જનરલ, 4 પોલીસ કમિશનર તેમજ પંચમહાલ અને દાહોદના પોલીસ અધીક્ષકનો સમાવેશ થાય છે.

ડીજીપી વિકાસ સહાયના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ કોન્ફરન્સમાં શહેરોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ પહેલથી સ્થાનિક સ્તરે પોલીસિંગને વધુ અસરકારક બનાવવામાં મદદ મળશે.