ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે સાંજે રાજ્યની જનતાને ઈલેક્ટ્રોનિક માધ્યમથી સંબોધિત કરી હતી અને મહત્ત્વની જાહેરાત કરી હતી કે આવતીકાલથી રાજ્યના ચારેય મોટા શહેર – અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોના વાઈરસ રોગચાળા સંબંધિત માત્ર રાતનો જ કર્ફ્યૂ અમલમાં રહેશે, દિવસના સમયમાં કર્ફ્યૂ રાખવામાં નહીં આવે. પરંતુ લોકોએ સવારે 6થી રાતના 9 વાગ્યાના સમય દરમિયાન માસ્ક ફરજિયાત પહેરવું પડશે, નહીં તો કડક કાર્યવાહી કરાશે.
રૂપાણીએ કહ્યું કે અમદાવાદમાં કર્ફ્યુ નિયમોનો અમલ કરવામાં પ્રશાસનને પ્રજા તરફથી સહકાર મળ્યો છે. લોકોએ ડરવાની જરૂર નથી. સરકારે પૂરતી વ્યવસ્થા કરી છે.
રૂપાણીએ એ વાતની નોંધ પણ લીધી હતી કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જો આપણે નિયમોનું પાલન કરીશું તો જ કોરોના વાઈરસના સંકટને હરાવી શકીશું. લોકો માસ્ક ફરજિયાત પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે એ ખૂબ જ જરૂરી છે.