- ડેમના ૯ દરવાજા ખોલવામાં આવ્યા છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર ૧૩૪. ૭૫ મીટરે પહોંચ્યો છે. પાણીનું રૂલ લેવલ જાળવવા ડેમના ૯ દરવાજા ખોલાયા છે. રિવરબેડ પાવરહાઉસમાંથી ૪૩,૩૩૨ ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી ૯,૬૪૪ ક્યુસેક પાણી છોડાયુ છે. નર્મદા ડેમમાંથી કુલ ૫૨,૯૭૬ ક્યુસેક પાણી છોડાયું છે.
ઉપરવાસમાંથી ૨.૬૬ લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી સુધી ભરાવામાં ૪ મીટર જ બાકી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર ૮૭.૦૩ ટકા ભરાયો છે. જો કે હાલમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી રહી છે.
બીજી તરફ ઉપરવાસમાં ધોધમાર વરસાદના પગલે સરદાર સરોવર ડેમનું જળસ્તર વધતા નર્મદા નદી બેકાંઠે વહેવા લાગી છે. ભરૂચ નજીક નર્મદા નદીનું જળસ્તર વધતા એલર્ટ અપાયુ છે. ભરૂચના વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. નર્મદા કાંઠાના ગામો અને લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ માછીમારોને નર્મદા નદીમાં માછીમારી ન કરવા આદેશ આપ્યો છે. નર્મદા ડેમની જળસપાટીમાં ઉત્તરોતર વધારો થયો છે.
નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ઇન્ચાર્જ કલેકટર મમતા હિરપરાએ જણાવ્યું કે વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના કુલ ૨૫ ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે.
નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના ઉક્ત ૨૫ ગામોના નાગરિકોને નદીના પટમાં ના જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જેના પગલે નર્મદા કાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરાયુ છે. શિનોર અને કરજણના ૨૩ ગામોને એલર્ટ કરાયા છે. જ્યારે શિનોરના ૧૧ અને કરજણના ૧૩ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા નદી બે કાંઠે વહેતી હોવાથી શિનોર અને કરજણનું વહીવટી તંત્ર એલર્ટ પર જોવા મળ્યો છે. જેના પગલે સરપંચ, તલાટીઓને ગામ નહીં છોડવા સૂચના આપવામાં આવી છે.