- વાવાઝોડા બિપોરજોય અંગે મોટી અપડેટ
- બિપોરજોય પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું
- ગુજરાતના દરિયા નજીકથી પસાર થાય તેવું અનુમાન
- કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું
અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપોરજોય અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સમુદ્રમાં બપોરજોયની ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું ગુજરાતના દરિયા નજીકથી પસાર થાય તેવું અનુમાન છે. હવે બિપોરજોય પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે. વાવાઝોડાનો માર્ગ બદલાતાં ફરી ચિંતા વધી ગઈ છે. આ સંભવિત બિપોરજોય વાવાઝોડાને કારણે હાલમાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે.
4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદ થઈ શકે છે. આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર પણ રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે 10, 11 અને 12 જૂને પવન 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. જ્યારે 13 જૂને પવન 120 કિમી પ્રતિ કલાકની ઝડપ પણ પકડી શકે છે.
ગુજરાતના વિવિધ બીચ કરાયા બંધ
વાવાઝોડાને લઈ કંડલા પોર્ટ પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. આજે સાંજથી કંડલા પોર્ટ પર જહાજના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. અબડાસા, જખૌ સહિત કાંઠાળપટ્ટાના વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખી 23 ગામને સ્થળાંતર કરવાની તૈયારી કરવામાં આવી છે. સલામતીને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડુંની શક્યતાને પગલે માંડવી બીચને 9થી 12 તારીખ સુધી સદંતર બંધ કરાયો છે.