ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ચોમાસું રહેશે અતિભારે : અંબાલાલ પટેલની આગાહી.

  • વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
  • 27થી 30 જૂન દરમિયાન વરસાદની આગાહી
  • દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

બિપોરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. 

જૂન અને જુલાઈ ગુજરાતના અતિભારે વરસાદ પડશે: અંબાલાલ
આગામી 27 થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં ગુજરાતના અતિભારે વરસાદ પડશે. તેમણે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાનમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડી શકે છે.

‘જળાશયો, તળાવો, બંધોમાં પાણીની આવક વધશે’
તેમણે જણાવ્યું છે કે, ભારે વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળ સ્તરમાં વધારો થશે. સાથે જ 10 જુલાઈ સુધીમાં સાબરમતી નદીમાં પાણીની આવક થવાની શક્યતા છે. વરસાદને લઈ જળાશયો, તળાવો, બંધોમાં પાણીની આવક વધશે. જૂનના અંતમાં અને જુલાઈ મહિનાની શરૂઆતમાં જે વરસાદ પડશે તે ગુજરાતમાં પાણીની સમસ્યા હલ કરવા માટે સહાય રૂપ રહેશે. 

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 18 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં હવામાનની આગાહી મુજબ મેઘમહેર જોવા મળી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના દાંતામાં 5 ઇંચ નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દાંતામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે અમીરગઢમાં સવા 2 ઈંચ, પોશિનામાં પોણા 2 ઈંચ, ખેડબ્રહ્મામાં પોણા 2 ઈંચ, વિજયનગરમાં 1.5 ઈંચ, વડાલીમાં 1 ઈંચ, ભીલોડામાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો છે. કડી, તલોદ, ધનસુરા તાલુકામાં વરસાદ, માલપુર, ઈડર, ખાનપુર તાલુકામાં વરસાદ, ખંભાત, ગરબાડા, કપરાડા તાલુકામાં અને ગાંધીનગર, આણંદમાં વરસાદ નોંધાયો છે.