
અમદાવાદીઓ અને બહારથી આવતા લોકો માટે હરવાફરવા માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન હોય તો તે કાંકરિયા તળાવ છે. અહીં આવેલું બાળવાટિકા વર્ષોથી બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જેને હવે મહાનગરપાલિકાએ પીપીપી ધોરણે નવાં રંગરૂપ આપ્યાં છે. ગુજરાત અને ભારતમાં ન હોય તેવા રાઈડ અને મ્યુઝિયમનો ઉમેરો કરવામાં આવ્યો છે.
કાંકરિયાની બાલવાટિકામાં હવે વેક્ષ મ્યુઝિયમ, ગ્લાસ ટાવર, ઇલ્યુઝન હાઉસ, ફ્લાઈંગ થિયેટર જેવી અલગ અલગ 28 એક્ટિવિટીનો સમાવેશ કરાયો છે. બાલવાટિકાના નવીનીકરણનું કામ હાલ અંતિમ તબક્કામાં છે જે ટૂંક સમયમાં પૂર્ણ થયા બાદ 15 એપ્રિલ બાદ લોકો માટે ખુલ્લું મુકાશે. બાલવાટિકામાં જે નવા આકર્ષણ ઉમેરવામાં આવ્યા છે તે કયા છે તેની આગળ વાત કરીએ.
ભારતમાં સૌપ્રથમ વખત ઊંચાઈ પરથી જોવા મળતું પારદર્શકતા સાથેનું ગ્લાસ ટાવર, ગુજરાતમાં સૌપ્રથમ વખત અસલી છે તે નકલી તેની આંખો દગો ખાઈ જાય એવું વેક્સ મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ફ્લાઈંગ થિયેટર અને ઇલ્યુઝન હાઉસ પણ ગુજરાતમાં સૌપ્રથમવાર કાંકરિયામાં જોવા મળશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે કાંકરિયા ઝુ ખાતા હસ્તક આવેલી બાલવાટિકાનું પીપીપીના ધોરણે રિડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન એન્ડ અપગ્રેડેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રૂ. 22 કરોડના ખર્ચે બાલવાટિકાને કોન્ટ્રેક્ટર દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાત અને ભારતમાં કોઈક જ સ્થળે જોવા મળતા મ્યુઝિયમ અને રાઇડ્સ નો સમાવેશ બાલવાટિકામાં કરવામાં આવ્યો છે. જેના કારણે નાના બાળકોથી લઇ અને મોટા લોકોને પણ મનોરંજન મળી રહેશે. સેલ્ફીઝોનથી લઈને અલગ અલગ મ્યુઝિયમ, એડવેન્ચરાઇડ રાઇડ વગેરે બાલવાટિકામાં જોવા મળશે. ટિકિટના દરો આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે જેમ બને તેમ ઝડપી આ બાલવાટિકા નાગરિકો માટે ખુલ્લી મૂકવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે બાલવાટિકામાં અગાઉના વર્ષોમાં અંદાજિત વાર્ષિક રૂ.10 લાખની આવક થતી હતી પરંતુ આ બાલવાટિકાને પીપીપીના ધોરણે રિડેવલપમેન્ટ, મોડર્નાઈઝેશન એન્ડ અપગ્રેડેશન કરવામાં આવતાં 27 ટકા રેવન્યુ શેરિંગ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશનને અંદાજિત આવક રૂ. 40 લાખ થશે. તમામ પ્રકારના મેઇન્ટેનન્સથી લઈ લાઈટ બિલ અને સિક્યોરિટી તેમજ કર્મચારી પગાર વગેરે કોન્ટ્રેક્ટર સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી દ્રારા કરવામાં આવશે.
બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવતા અલગ જ લુકમાં જોવા મળશે. જેમાં અદ્યતન ડિઝાઇનવાળો એન્ટ્રીગેટ જોવા મળશે. એન્ટ્રી ટિકિટની સાથે કેટલીક એક્ટિવિટી ફ્રી મળશે. જેમાં કોઈન હાઉસ કી, કાચ ઘર, શુ હાઉસ, લેન્ડ સ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન અને ગ્લોવ સ્ટેશનમાં કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં ત્યારે બીજી અલગ અલગ એક્ટિવિટી અને રાઇડ્સ માટે નક્કી કરવામાં આવેલા દર મૂજબ લોકોએ ચાર્જ ચૂકવવો પડશે. જે ચાર્જ હવે પછી નક્કી કરાશે.