રાજ્યના પોલીસ વિભાગમાં ભરતી કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી હતી. બોર્ડ પોલીસની 12,472 જગ્યાઓની ભરતી માટે શારીરિક પરીક્ષા 8 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ચાલશે. જેના માટે અંદાજે 16 લાખ અરજીઓ આવી છે. ગુજરાતમાં અલગ અલગ 15 ગ્રાઉન્ડમાં શારીરિક કસોટી લેવાશે.
રાજ્યમાં PSI, લોકરક્ષક, બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી માટેની ભરતી કરાશે. 12472 જગ્યાઓ ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ઓનલાઈન અરજીઓ મગાવી હતી.
ક્યાં ક્યાં શારીરિક કસોટી લેવાશે? રાજ્યમાં પુરૂષ ઉમેદવારો માટે અમદાવાદ, કામરેજ, ભરુચ, જામનગર, જૂનાગઢ, ખેડા-નડિયાદ, મહેસાણા, ગોધરા, ગોંડલ અને હિંમતનગર ખાતે શારીરિક કસોટી લેવાશે, જ્યારે મહિલાઓ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર ખાતે શારીરિક કસોટી લેવાશે. જ્યારે માજી સૈનિકોની મહિના અંતમાં 28 અને 29મી જાન્યુઆરીએ રાજકોટ ખાતે કસોટી લેવાશે.
અમદાવાદમાં બે જગ્યાએ શારીરિક કસોટી લેવાશે અમદાવાદ શહેરમાં બે ગ્રાઉન્ડ પર પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા લેવાશે, જેમાં નરોડા ખાતેના રાજ્ય અનામત પોલીસ દળ જૂથ બેના ગ્રાઉન્ડમાં પુરુષો માટે જ્યારે પોલીસ હેડ ક્વાર્ટર્સમાં આવેલા જે. ડી. નગરવાલા ગ્રાઉન્ડ ખાતે મહિલાઓ માટે શારીરિક પરીક્ષા લેવાશે. સૈજપુર નરોડા ખાતે યોજાનાર ભરતી પ્રક્રિયા વહેલી સવારે 4:30 વાગ્યાથી શરૂ થાય તેવી શક્યતાઓ છે. તથા બપોર પહેલા આ ભરતી માટેની શારીરિક પરીક્ષા પૂર્ણ થશે.
8 જાન્યુઆરી, 2024ના રોજ એટલે કે પ્રથમ દિવસે 700 જેટલા પુરુષ ઉમેદવારો આ ગ્રાઉન્ડમાં શારીરિક પરીક્ષા આપશે, જેના માટે આજે જ ગ્રાઉન્ડની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગ્રાઉન્ડમાં દોડના ટ્રેક ઉપર ક્યાંય પણ કોઈ ખાડા કે કાંકરા ન હોય તેની પૂર્તિ કાળજી લેવામાં આવી છે, તેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કર્યા બાદ ટ્રાયલ રન પણ લેવામાં આવ્યો છે.
પરીક્ષાના પ્રથમ દિવસે સાચું જેટલા ઉમેદવારો ભરતી માટે શારીરિક પરીક્ષા આપવાના છે, ત્યારે તેમની સુવિધા માટે ગ્રાઉન્ડની બહાર જ એમ્બ્યુલન્સ પણ સજ્જ રાખવામાં આવશે. જેથી જો તેની જરૂરિયાત પડે તો તાત્કાલિક ત્યાં હાજર એમ્બ્યુલન્સ દ્વારા ઉમેદવારને સારવાર આપી શકાય તે હેતુથી એમ્બ્યુલન્સ સહિતની પૂર્તિ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
અમદાવાદ પોલીસ હેડ ક્વાર્ટર તૈયારી પૂર્ણ પોલીસ વિભાગ માટે બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષકની પ્રેક્ટિકલ પરીક્ષા યોજાવા જઈ રહી છે, તે પૂર્વે અમદાવાદમાં બે ગ્રાઉન્ડમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ અને પુરુષો માટે એમ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલા જે.ડી. નગરવાલા સ્ટેડિયમ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દોડ માટેના ટ્રેક પણ સજ્જ કરી દેવામાં આવ્યા છે.
વહેલી સવારે 05:30 વાગ્યાથી પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન થશે. પ્રેક્ટિકલ પરીક્ષા વખતે કોઈ ઉમેદવારને શારીરિક ઈજા થવાની શક્યતાઓ રહેલી છે, તેથી ગ્રાઉન્ડમાં એમ્બ્યુલન્સ પણ હાજર રહેશે. આ ઉપરાંત મેડિકલ કેમ્પ અને અપીલ બોર્ડ પણ બનાવવામાં આવ્યું છે, જેથી કોઈ ઉમેદવારને ફરિયાદ હોય તો તે ત્યાં જણાવી શકશે. આ ઉપરાંત આવતીકાલથી જે પરીક્ષા યોજવાની છે, તેના પ્રથમ દિવસે 700 ઉમેદવારો પ્રેક્ટિકલ પરીક્ષા આપશે તથા નવ જાન્યુઆરીના રોજ જે. ડી. નગરવાલા પોલીસ સ્ટેડિયમ ખાતે 1400 અને ત્યારબાદના દિવસોમાં દરરોજ 2200 જેટલા ઉમેદવારો પ્રેક્ટિકલ પરીક્ષા આપશે.
રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે તૈયારી પૂર્ણ રાજકોટમાં મવડી પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડમાં શારીરિક પરીક્ષા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે પ્રથમ દિવસે 700 મહિલા ઉમેદવારો આ પરીક્ષા આપશે અને ત્યારબાદ દૈનિક સંખ્યા વધીને 2200 જેટલી થઈ જશે. માર્ચ મહિના સુધીમાં સવા લાખ જેટલા ઉમેદવારો કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવા માટે દોડની પરીક્ષા આપશે. પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, અહીં સવારે 6:00 વાગ્યાથી 8 વાગ્યા સુધી મહિલા ઉમેદવારોની એન્ટ્રી કરવામાં આવશે. જેમાં આવતીકાલે પ્રથમ દિવસે 700 જેટલા ઉમેદવારો શારીરિક ટેસ્ટ માટે નોંધાયેલા છે.
સવારે એન્ટ્રી બાદ તમામ ઉમેદવારોને ચેસ નંબર આપવામાં આવશે અને ત્યારબાદ તેના પગમાં ડિજિટલ ચીપ બેસાડવામાં આવશે. જેના આધારે તેની દોડ ચોક્કસ કેટલી મિનિટમાં પૂર્ણ થાય છે, તે જોઈ શકાશે. જો મહિલા ઉમેદવારોએ 9.30 મિનિટમાં દોડ પૂર્ણ કરી હશે, તો બાદમાં તેનું વેઈટ અને હાઈટ માપવામાં આવશે અને તે બાદ તેઓની ટેસ્ટ પૂર્ણ થશે. આ પ્રકારે માર્ચ મહિના સુધી એટલે કે લગભગ બે માસ સુધી શારીરિક ક્ષમતા કસોટી લેવામાં આવશે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આવતીકાલથી બિનહથિયારધારી PSI અને લોકરક્ષકની પોલીસ ભરતીનો પ્રારંભ થશે. ત્યારે રોજના અંદાજે 1000 ઉમેદવારોની શારીરિક કસોટી લેવાશે જેને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. મળતી માહિતી મુજબ હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર 8 જાન્યુઆરી 2025ને બુધવારથી 1 માર્ચ 2025 સુધી બિનહથિયારધારી PSI અને લોક રક્ષક પુરુષની ભરતી યોજાશે. બે મહિના ભરતી દરમિયાન રવિવાર અને જાહેર રજાના દિવસે ભરતી બંધ રહેશે. ત્યારે અંદાજે રોજના 1000થી વધુ ઉમેદવારો ભરતીમાં આવશે.
આ ભરતી પ્રક્રિયાનો બુધવારે સવારે 4 કલાકથી પ્રારંભ થશે. પોલીસ ગ્રાઉન્ડ પર ઉમેદવારોને પ્રવેશ આપ્યા બાદ રજિસ્ટ્રેશન બાદ શારિરીક કસોટીનો લેવાશે. જેમાં વજન, ઊંચાઈ અને દોડ સહિતની શારીરિક કસોટી લેવામાં આવશે. સીસીટીવી હેઠળ તમામ પ્રક્રિયા થશે. બુધવારે સવારે 4 કલાકથી પ્રારંભ ભરતીમાં અંદાજે 20 જેટલા PSI અને 200થી વધુ પોલીસકર્મીઓ અલગ અલગ પોઇન્ટ પર ફરજ બજાવશે.
વડોદરા પોલીસ પરીક્ષા તૈયારી આવતીકાલે 8 જાન્યુઆરી થી રાજ્યના વિવિધ જિલ્લામાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર ભરતીની શારીરિક પરીક્ષાની શરૂઆત થવા જઈ રહી છે. વડોદરા શહેરના પોલીસ ટ્રેનિંગ સ્કૂલના પરેડ ગ્રાઉન્ડ ખાતે મહિલાઓની પરીક્ષા લેવામાં આવશે. વહેલી સવારે 5 વાગ્યાથી આ શારીરિક પરીક્ષા શરૂ થશે. જેમાં રોજના 2000 ઉમેદવારો પરીક્ષા આપશે. જેના માટે પોલીસ ટ્રેનિંગ સ્કૂલ પરેડ ગ્રાઉન્ડ ખાતે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગ્રાઉન્ડને તૈયાર કરી દેવામાં આવ્યું છે.પરીક્ષામાં કોઈ ગેરરીતી ના થાય તે માટે અહીં સીસીટીવી પણ ગોઠવવામાં આવ્યા છે. જોકે પરીક્ષાર્થિઓ માટે રહેવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. પરીક્ષાઓને હોટલમાં રહેવું પડશે. શારીરિક પરીક્ષાને પગલે ગ્રાઉન્ડની બહાર એમ્બ્યુલન્સ પણ સજ્જ રાખવામાં આવશે. જેથી તાત્કાલિક ત્યાં એમ્બ્યુલન્સ દ્વારા ઉમેદવારને સમયસર સારવાર આપી શકાય અને હોસ્પિટલમાં પહોંચાડી શકાય.
કામરેજના વાવમાં SRP ગૃપ-11ના ગ્રાઉન્ડમાં તૈયારી પૂર્ણ સુરત જિલ્લાના કામરેજના વાવ ગામે વાવ SRP ગૃપ-11ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આવતીકાલથી બિનહથિયારધારી PSI અને લોકરક્ષકની પોલીસ ભરતીનો પ્રારંભ થશે. ત્યારે રોજના અંદાજે 1600 ઉમેદવારોની શારીરિક કસોટી લેવાશે, જેને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. મળતી માહિતી મુજબ SRP ગૃપ વાવ 11ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર 8 જાન્યુઆરી 2025ને બુધવારથી 1 માર્ચ 2025 સુધી બિનહથિયારધારી PSI અને લોક રક્ષક પુરુષની ભરતી યોજાશે. બે મહિના ભરતી દરમિયાન રવિવાર અને જાહેર રજાના દિવસે ભરતી બંધ રહેશે. ત્યારે અંદાજે રોજના 1600થી વધુ ઉમેદવારો ભરતીમાં આવશે. આ ભરતી પ્રક્રિયાનો બુધવારે સવારે 4 કલાકથી પ્રારંભ થશે. પોલીસ ગ્રાઉન્ડ પર ઉમેદવારોને પ્રવેશ આપ્યા બાદ રજિસ્ટ્રેશન બાદ શારિરીક કસોટીનો લેવાશે. જેમાં વજન, ઊંચાઈ અને દોડ સહિતની શારીરિક કસોટી લેવામાં આવશે. સીસીટીવી હેઠળ તમામ પ્રક્રિયા થશે.
બુધવારે સવારે 4 કલાકથી પ્રારંભ ભરતીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ભરતીને લઇને 384.1 મીટરની લંબાઈ વાળું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડ પાંચ વાર ફરે એટલે પાંચ કિમી પૂર્ણ થાય છે. આ ગ્રાઉન્ડ ઉમેરવારોને 25 મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે. વાવ SRP 11 ગ્રુપના DYSP અનિલ પટેલ એ જણાવ્યું હતું કે સુરત રેન્જ આઇજીપી પ્રેમવીર સિંહે, DCI ઈન્ટેલિજન્સ હરેશ મેવાડાના માર્ગ દર્શન હેઠળ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી 1 માર્ચ સુધીમાં કુલ 69000 ઉમેદવારો અહીંયા પરીક્ષા લેવામાં આવશે. વહેલી સવારથી જ પરીક્ષા શરૂ થઈ જશે. 1600 ઉમેદવારો એક દિવસમાં પરીક્ષા આપી શકશે. તેઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને ડોક્ટરો સાથે 108 ફુલ એમ્બ્યુલન્સ ટીમ ખડેપગે રહેશે.
શારીરિક કસોટીની સમયમર્યાદા પુરુષ ઉમેદવારો માટે 5,000 મીટરની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવી અનિવાર્ય છે. મહિલા ઉમેદવારોએ 1,600 મીટરની દોડ 9 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવી પડશે. જ્યારે ભૂતપૂર્વ સેવાના ઉમેદવારોએ 2,400 મીટરની દોડ 12 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવી પડશે.
કઈ જગ્યા પર શું લાયકાત? પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSIથી લઈને જેલ સિપાહી સુધીના વર્ગ 3ની ભરતી માટે અલગ-અલગ વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. PSI માટે લઘુતમ 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. જેમાં કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. જ્યારે લોકરક્ષક, કોન્સ્ટેબલ, જેલ સિપાહી માટે લઘુતમ 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. જ્યારે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો ધોરણ 12 પરીક્ષા સમકક્ષ પાસ થયેલા હોવા જોઈએ.
PSI માટે ફિઝિકલ ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે PSI કક્ષામાં ફિઝિકલ ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. જ્યારે લોકરક્ષકમાં ફિઝિકલ ટેસ્ટ અને MCQ પરીક્ષા લેવાશે. PSI કક્ષા માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના કૌશલ્યના પેપર પુછાશે.
કઈ કેટેગરીની કેટલી જગ્યા
કેટેગરી | જગ્યા |
બિન હથિયારી પીએસઆઈ (પુરુષ) | 316 |
બિન હથિયારી પીએસઆઈ (મહિલા) | 156 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ) | 4422 |
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | 2178 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ) | 2212 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | 1090 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (CRPF) (પુરુષ) | 1000 |
જેલ સિપાઈ (પુરુષ) | 1013 |
જેલ સિપાઈ (મહિલા) | 85 |
કુલ | 12,472 |