ગુજરાતમાં કોરોનાના કપ્પા(Kappa ) વેરિઅન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે. પંચમહાલના ગોધરા(Godhra) માં કપ્પા વેરિયન્ટથી પ્રથમ મોતની પુષ્ટિ થઈ છે. ગત જૂન મહિનામાં જ દર્દીનું મૃત્યુ થયુ હતું. જૂન મહિનામાં લીધેલા સેમ્પલનો રિપોર્ટ અત્યારે કપ્પા પોઝિટિવ આવ્યો છે. જેને લઈ આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. ગોધરા તાલુકાના અંદરના મુવાડા ગામમાંથી ગત જૂન માસમાં એક પુરૂષનું સેમ્પલ લઈને અમદાવાદ ખાતે લવાયું હતું. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કપ્પા વેરિઅન્ટ માટેનું સેમ્પલ પણ લેવાયું હતું.
સેમ્પલ લીધાના 22 દિવસ બાદ શનિવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.અંદરના મુવાડા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે.મૃતકની અંતિમવિધિમાં જોડાયેલા તેમજ તેમના પરિજનોનું ટ્રેસિંગ કરાયું છે.તેના સંપર્કમાં આવેલા 22 સહિત કુલ 50 ઉપરાંત લોકોના કોરોના અંગેના સેમ્પલ મેળવાયા છે.જ્યારે સંપર્કમાં આવેલા 22 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે.જેનું મૃત્યું થયું છે તે દર્દીને ડાયાબિટિસ અને ગેંગરિનની પણ બીમારી હતી.