
- ખેડૂતો માટે રાહતના અણસાર
- નુકસાન અંગે આજથી થશે સર્વેનો પ્રારંભ
- જિલ્લા ખેતીવાડી અધિકારીના નેતૃત્વમાં ટીમો સર્વે હાથ ધરશે
પ્રાથમિક માહિતી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સહિત કુલ 27 જિલ્લાના 111 તાલુકામાં કમોસમી વરસાદથી પાકને નુકસાન થયું હોવાની માહિતી છે ત્યારે ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે આજથી સર્વેનો પ્રારંભ થશે.હાલ વરસાદી વાતાવરણ દૂર થતાં સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવશે. જે બાદ જિલ્લા ખેતીવાડી અધિકારી સર્વેનો રિપોર્ટ ગાંધીનગર કૃષિ વિભાગને સોંપશે. જે બાદ સરકાર યોગ્ય મદદ કરશે તેવા એંધાણ છે.
29 થી 31 માર્ચ સુધી માવઠાની આગાહી
ગુજરાતમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ યથાવત છે. સવારે ઠંડી બપોરે ગરમી અને સાંજ પડતાં વરસાદી માહોલ બની રહ્યો છે. રવિ પાક, બાગાયતી પાક, શાકભાજી સહિત મોટાભાગના પાક ધોવાઈ ગયા. સરકારે બેઠક કરીને પ્રાથમિક સરવે કરવા આદેશ તો આપ્યો છે. પણ ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત જોવા મળી રહ્યું છે પહેલા 29 અને 30 માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી હતી જેમાં એક દિવસ વધારી દેવામાં આવ્યો છે
ક્યાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગની નવી આગાહી મુજબ 30 અને 31 માર્ચના રોજ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં વરસાદની પડવાની સંભાવના વધારે છે. 30 માર્ચે દ્વારકા,જામનગર અને કચ્છમાં, 31 માર્ચે બનાસકાંઠા,સાબરકાંઠા, પોરબંદર,અમરેલી,જૂનાગઢમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે. આ આગાહીથી ખેડૂતોના ધબકારા વધી ગયા છે.
ખેડૂતોને મોટું નુકસાન
આ વખતે માવઠાનો માર ખેડૂતોને ભારે પડ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ઉનાળો અને ચોમાસુ મિશ્રઋતુ ચાલી રહી હોય તેવું વાતાવરણ છે. કમોસમી વરસાદને લઇ ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે, પાક બગડી જવો અને પાકમાં નુકસાની થવાના લીધે આગામી દિવસોમાં સિઝનેબલ વસ્તુ ભરવા વાળાઓના ખિસ્સા પર ભાર વધશે તે વાત નક્કી છે. હાલ સમયાંતરે પવન સાથે માવઠું વરસી રહ્યું છે જેમા પાકને ભારે નુકસાની થઈ રહી છે. ખાસ કરીને જીરુ, ઘઉ, ઘાણા, ચણા અને ખાસ કરીને સૌ કોઇ ઉનાળામાં રાહ જોઇ બેઠા હોય તે કેરી. આ પાકને હાલ ખાસ્સું એવું નુકસાન થયું છે, જે બજારમા ઉંચા ભાવે મળશે તેવું ખેડૂતો કહી રહ્યાં છે. કેરી પક્વતા ખેડૂતો ઉપરોક્ત આગાહીથી ચિંતાતુર બન્યા છે.