
ગુજરાત સહિત સમગ્ર દેશમાં નકલી અધિકારીઓ બનીને લોકોને ફસાવવાની અનેક ઘટનાઓ બની છે, આજ પ્રકારની વધુ એક ઘટના કચ્છમાંથી બહાર આવી છે. આ વખતે એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED)ની નકલી ટીમ બનાવીને મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને ધમકાવી તોડ કરતી ગેંગના સભ્યોને ઝડપી લેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. EDની નકલી ટીમ પકડાતાં AAPના ગોપાલ ઈટાલિયાએ મજાકમાં એક્સ પોસ્ટ પર લખ્યું હતું કે મને તો આજ અસલી લાગે છે, કમસે કમ આ લોકોએ તો ગુજરાતમાં દરોડા પાડવાની હિંમત કરી.
અલબત્ત, સૂત્રોનો દાવો છે કે ઇડીના નકલી ઓફિસર બનીને આ ફ્રોડ લોકોએ ગાંધીધામ તેમજ આસપાસના વિસ્તારના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને શિકાર બનાવ્યા છે. નકલી PMOના અધિકારી, જજ, વકીલ,પોલીસ, ટીચર, આચાર્ય વગેરે જેવી ઘટનાઓ બાદ આખી નકલી ED કાર્યરત હોવાનું પૂર્વ કચ્છ પોલીસના ધ્યાનમાં આવતાં એમાં સંડોવાયેલા અમદાવાદની બે વ્યક્તિ, ભુજમાંથી એક તેમજ અન્ય જગ્યાએથી કુલ મળીને આઠથી વધુ લોકોને ઉપાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, પૂર્વ કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને એ ડિવિઝન પોલીસની સંયુક્ત કામગીરીમાં નકલી અધિકારી અને કર્મચારી બનીને લોકો પાસે પૈસા પડાવતા કુલ 8 જેટલા ઇસમોને અલગ અલગ સ્થળેથી ઝડપી લીધા હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ રહી છે. પકડાયેલા ઇસમોમાં ગાંધીધામ, ભુજ અને અમદાવાદ ઉપરાંત રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાંથી નકલી ઇડીના અધિકારીઓ બનીને ફરતા ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર વિગતો બહાર પાડવામાં આવી નથી, જોકે આ મામલે અંજાર વિસ્તારના નાયબ પોલીસવડા મુકેશ ચૌધરી સાથે વાત કરતાં તેમણે બનાવને સમર્થન આપ્યું હતું અને એલસીબી તથા ગાંધીધામ એ ડિવિઝન પીઆઇ દ્વારા આ મામલે દરોડો પાડવામાં આવ્યો હોવાનું કહ્યું હતું, જોકે સચોટ માહિતી માટે તેમણે કાર્યવાહી કરનારા અધિકારીઓનો સંપર્ક સાધવા જણાવ્યું હતું, પરંતુ બન્ને અધિકારીના સેલફોન નો રિપ્લાય થયા હતા.
ગત વર્ષે ઓગસ્ટમાં અમદાવાદમાં ED અધિકારી હોવાનું કહીને એક ઠગે 1.50 કરોડ રૂપિયાની ઠગાઇ આચરી હતી. નકલી ED અધિકારી ઓમવીરસિંહે બોગસ આઈકાર્ડ બનાવ્યું હતું. જેમાં આઈ.આર.એસ, એડિશનલ ડાયરેકટર એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હતું. જેના આધારે એક વેપારીને ટેન્ડર અપાવાની લાલચ આપી 1.50 કરોડ પડાવ્યા હતા. નકલી ED અધિકારી બની ઓમવીરસિંહ બોપલ-આંબલી રોડ પર બંગલો ભાડે લેવાનો હોવાથી એજન્ટનો સંપર્કમાં કર્યો હતો. આરોપીની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરીહ તી. પોલીસ તપાસમાં સામે ખૂલ્યું હતું કે, ઠગાઇના પૈસા મોજશોખમાં ઉડાવ્યા હતા.