ગુજરાત સરકારની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની આવકમાં વધારો થયો છે. કોરોના સંક્રમણ અને લોકડાઉનમાં ભારે મોટા ઘટાડા પછી રાજ્યની જીએસટીની આવકમાં 15 ટકાનો વધારો નોંધાયો છે જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ આ વાર્ષિક વૃદ્ધિ છે.
રાજ્યમાં જીએસટીની આવકમાં થયેલો વધારો એ સૂચવે છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ વચ્ચે પણ આર્થિક પ્રવૃત્તિઓ ફરીથી શરૂ થઇ છે. રોગચાળાના કારણે આવેલી મંદીમાંથી રાજ્ય સરકારની આવકમાં વધારો નોંધાઇ રહ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વાર્ષિક ધોરણે છ ટકાનો વધારો હતો પરંતુ આ વર્ષે બમણો વધારો છે.
ઓગષ્ટ 2019ની સરખાણીએ રાજ્યમાં ઓગષ્ટ 2020માં જીએસટીની આવકમાં ત્રણ ટકાનો ઘટાડો હતો. મહત્વની બાબત એવી છે કે રાજ્યમાં માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઇ મહિનામાં જીએસટી સહિતની તમામ આવકોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પહેલીવાર સપ્ટેમ્બરમાં વધારો નોંધાયો છે.
કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ઓગષ્ટ મહિનામાં જીએસટીની આવક 6030 કરોડ રૂપિયા હતી, જ્યારે સપ્ટેમ્બર મહિનાની આવક 6787 કરોડ રૂપિયા જોવા મળી છે.
સમગ્ર દેશમાં સપ્ટેમ્બર મહિનામાં જીએસટીની આવક 105155 કરોડ રૂપિયા જોવા મળી છે જેમાં સીજીએસટી 19193 કરોડ, એસજીએસટી 25411 કરોડ તેમજ આઇજીએસટી 52540 કરોડનો સમાવેશ થાય છે. રાજ્યની જેમ દેશમાં પણ જીએસટીની આવકમાં વધારો નોંધાયો છે.