ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી

  • ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી
  • આજે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ પડ્યો

રાજ્યમાં આજે દ્રારકા, જૂનાગઢ, પોરબંદર, જામનગર અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે. આજ રોજ દ્વારકામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. પરંતુ સતત વરસાદના કારણે દ્વારકાના રસ્તાઓ ઉપર પાણી ભરાઇ ગયા હતા. જૂની નગરપાલિકા વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. ત્યારે રાજ્યમાં હજુ થોડાક સમય સુધી વરસાદી માહોલ રહી શકે છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ

તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં મહુવામાં 5 ઇંચ, અમરેલીમાં 5 ઇંચ, કુતિયાણામાં 5 ઇંચ, વિસાવદરમાં 4 ઇંચ, મેંદરડામાં 4 ઇંચ વરસાદ, લખતરમાં 3.9 ઇંચ, નવસારીમાં 3.8 ઇંચ, ભેંસાણ, જૂનાગઢ અને જલાલપોરમાં 3.7 ઇંચ વરસાદ, ભુજ અને વેરાવળમાં 3 ઇંચ વરસાદ, બાબરા,વાડીયા,આંણદ અને ગારીયાધારમાં 2.8 ઇંચ, વંથલી,લીલીયા,સોજીત્રા,સાણંદ અને પેટલાદમાં 2.3 ઇંચ વરસાદ, લાઠી,પાલીતાણા,મહુવા,ધોરાજી,માણાવદર,ધંધુકા અને ધોલેરામાં 1.8 ઇંચ વરસાદ, જેતપુર, રાણાવાવ, ચોર્યાસી, શિંહોર અને વાલોડમાં 1.6 ઇંચ વરસાદ જ્યારે ખાંભા, મોરવાહડફ, બગસરા, ડોલવણ અને ગોંડલમાં 1.4 ઇંચ વરસાદ ખાબક્યો.

જૂનાગઢના માળીયા હાટીનામાં પણ ધોધમાર વરસાદ શરૂ

બીજી બાજુ જૂનાગઢના માળીયા હાટીનામાં પણ ધોધમાર વરસાદ શરુ થઇ ગયો હતો. આજે બીજા દિવસે પણ જૂનાગઢમાં સવારના સાડા દસ વાગ્યાથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા. તદુપરાંત આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો

પોરબંદર જિલ્લામાં પણ છેલ્લા 3 દિવસથી સાર્વત્રિક વરસાદ

એ સિવાય પોરબંદર જિલ્લામાં પણ છેલ્લા 3 દિવસથી સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જ પોરબંદરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. પોરબંદર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. જોકે, વરસાદના લીધે લોકોને ગરમીથી ભારે રાહત અનુભવાઇ હતી.