
રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી આમ તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે. તેમ છતા કેટલાક વિસ્તારોમાં આસો મહિનામાં પણ અષાઢી માહોલ જામ્યો હોય તેવા દૃશ્યો સર્જાયા છે. આજે જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખેતરોમાં મગફળીના તૈયાર થયેલા પાક પર જ આફતરૂપી વરસાદ વરસતા સેંકડો ખેડૂતોની દિવાળી બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિમ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ

દેવભૂમિ દ્વારકામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. આજે કલ્યાણપુર અને ખંભાળીયા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. તો બીજી તરફ ખેતરોમાં મગફળી અને કપાસ સહિતનો પાક તૈયાર થઈ ગયો હોય નુકસાન જવાથી ખેડૂતોની દિવાળી બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
ઉના પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે ભારે ઉકળાટ અને ગરમીનાં બફારાથી પણ લોકો અકળાઇ રહ્યા છે. ત્યારે આજે ઉના શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. થોડીવાર વરસેલા ભારે વરસાદના કારણે સમગ્ર ઉના શહેરમાં પાણી પાણી થઇ ગયું હતું. હાલ પણ વરસાદી માહોલ વચ્ચે ગરમી યથાવત જોવા મળ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. તદુપરાંત હજુ પણ આગામી પાંચ દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાન યથાવત્ રહેશે. ત્યારબાદ લઘુતમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાય શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.