કેન્દ્રીય ચૂંટણીપંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ એમ બે રાજ્યની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. સાથે જ બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થશે. ગુજરાતમાં ભલે એક જ સીટ પર ચૂંટણી યોજાવાની હોય પરંતુ આ હાઇપ્રોફાઇલ બેઠકની ચર્ચા ચોતરફ થઈ રહી છે કારણ કે વાવ બેઠક પરથી સતત બે વખત (2017, 2022) ગેનીબેન ઠાકોર ધારાસભ્ય બન્યાં અને પછી લોકસભાની ચૂંટણી જીત્યાં એટલે બેઠક ખાલી પડી છે. હવે 29 દિવસ પછી એટલે કે 13મી નવેમ્બરે વાવમાં પેટાચૂંટણીનું મતદાન થશે. જ્યારે 23મી નવેમ્બરે મતગણતરી થશે.
કોંગ્રેસ અને ભાજપ બન્ને માટે આ બેઠક વટનો સવાલ બની ગઈ છે. ગુજરાતમાં એકમાત્ર લોકસભા બેઠક ગુમાવનાર ભાજપ વાવની ચૂંટણી જીતીને રાજકીય રીતે પોતાનું મૂલ્ય પ્રસ્થાપિત કરવા માગે છે. જ્યારે કોંગ્રેસ એ સાબિત કરવા પ્રયાસરત છે કે ગેનીબેનના કારણે ગુજરાતમાં રાજકીય હવા બદલાઈ રહી છે. છતાં પણ બન્ને પક્ષો માટે આ ચૂંટણી જીતવી જરા પણ આસાન હોય તેમ લાગતું નથી.
પેટાચૂંટણીની ગંભીરતાનો અંદાજો એક વાતથી લગાવી શકો છો. થોડા દિવસ પૂર્વે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાઇ હતી ત્યારે ચર્ચા એવી ઊઠી કે કોંગ્રેસે ગેનીબેનને ત્યાં પ્રચાર માટે જવાનું કહ્યું હતું પરંતુ ગેનીબેને જમ્મુ-કાશ્મીર જવાની ના પાડી દીધી હતી. તેમણે એવું કહ્યું હતું કે મારે વાવ વિધાનસભાની પેટાચૂંટણી પર ફોકસ કરવું છે. આવામાં વાવ બેઠક પર હાર-જીતનું ગણિત શું હોઇ શકે? કેવાં સમીકરણો રચાઇ શકે? ભાજપ અને કોંગ્રેસ શું કહી રહ્યા છે? આ જાણવાનો પ્રયાસ દિવ્ય ભાસ્કરે કર્યો છે.
વાવની રાજકીય તાસીરને સમજવા માટે ભૂતકાળ પર જરા નજર કરીએ. મે મહિનામાં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ એમાં બનાસકાંઠા બેઠક પર ગેનીબેને ઐતિહાસિક રીતે વિજય મેળવ્યો. પરંતુ પોતે બે વખત જે વિધાનસભા બેઠક જીત્યાં હતાં એ વાવ મતવિસ્તારમાંથી ભાજપ કરતાં ઓછા મત મળ્યા છે. વાવમાં ભાજપને 1,02,972 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 1, 01,311 મત મળ્યા હતા. આમ ભાજપને કોંગ્રેસ કરતાં 1,661 મત વધુ મળ્યા હતા. નોંધવા જેવો એક આંકડો એ પણ છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ જ બેઠક પરથી ગેનીબેને 15,600 મતની સરસાઇથી જીત મેળવી હતી. એટલે જો કોંગ્રેસે અને ભાજપ વચ્ચે આ વખતની ચૂંટણી જીતવા માટે લગભગ 17 હજાર મતની જ ખેંચતાણ છે એમ કહી શકાય. જો કે લોકસભાની ચૂંટણીને પાંચેક મહિન વીતી ચૂક્યા છે, આટલા સમયગાળામાં રાજકીય રીતે કેટલી હવા બદલાઈ એ પણ મહત્ત્વનું છે.
કોંગ્રેસ માટે જીત જરૂરી કેમ?
- વાવમાં જીત મળે તો હેટ્રિક કહેવાય
- ભૂતકાળમાં આ બેઠક પર શંકર ચૌધરીનો દબદબો રહ્યો છે
- જીત મળે તો બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત હોવાનો સંદેશ જાય
- કોંગ્રેસની જીતથી ગેનીબેન ઠાકોરનું કદ વધુ મોટું થાય
- જો હાર થાય તો કોંગ્રેસે ગઢ ગુમાવ્યો કહેવાય
ભાજપ માટે જીત કેમ મહત્ત્વની?
- બનાસકાંઠા લોકસભા બેઠક પર થયેલી હારનો બદલો લેવો
- જીતથી એવો સંદેશ આપવો કે લોકસભામાં ભલે કોંગ્રેસ જીતી પણ વાવની જનતા ભાજપ સાથે છે
- ભાજપે તાજેતરમાં જ સભ્ય નોંધણી અભિયાન કર્યુ તેનું પહેલું ફળ મળ્યું કહેવાય
- જો હાર મળે તો સતત ત્રીજી વખત વાવની જનતાએ નકાર્યા હોવાનું સાબિત થાય
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ પરિણામોની ચર્ચા રહેશે