મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ ગુજરાતમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મુલાકાત કરી હતી જેના પગલે રાજકીય ગરમાવો આવી ગયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે રાત્રે બંને નેતાઓ વડોદરામાં એકબીજાને મળ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસ પણ રાત્રે 10.30 વાગ્યાની આસપાસ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદે શુક્રવારે રાત્રે ખાનગી જેટમાં ગુવાહાટીથી વડોદરા જવા રવાના થયા હતા. મીટિંગ પછી, તેઓ શનિવારે સવારે લગભગ 6.45 વાગ્યે ગુવાહાટી પાછા ફર્યા હતા. એટલું જ નહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સક્રિટ હાઉસમાં હતો જોકે, તેમની ફડણવીસ અને શિંદે સાથે મુલાકાત થઈ તે સ્પષ્ટ થયું નથી.
વડોદરામાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસ અને શિવસેનાના બળવાખોર એકનાથ શિંદેની બેઠક બાદ સીએમ ઉદ્ધવ ઠાકરેની સરકારનું પતન થશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. આ બેઠકને અનેક એન્ગલથી જોવામાં આવી રહી છે કારણ કે એકનાથ શિંદે ના તા મચક આપી રહ્યા છે, ત્યારે ઉદ્ધવ ઠાકરે પણ એક્શન વલણ બતાવી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે એકનાથ શિંદે ભાજપ સાથે સરકાર બનાવે તેવી અટકળો વહેતી થઈ છે.
16 બાગી ધારાસભ્યોને નોટિસ
ડેપ્યુટી સ્પીકરે ઉદ્ધવ ઠાકરેના જૂથ દ્વારા આપવામાં આવેલી અયોગ્યતા અરજી પર શિવસેનાના 16 બાગી ધારાસભ્યોને નોટિસ પાઠવી છે. નોટિસ મોકલવામાં આવી તે ધારાસભ્યોએ સોમવાર સાંજના 5:00 વાગ્યા સુધીમાં તે નોટિસનો જવાબ આપવાનો રહેશે.
મુંબઈમાં કલમ 144 લાગુ
શિવસેના ભવન ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં તબિયત ખરાબ હોવા છતાં પણ ઉદ્ધવ ઠાકરેએ મોરચો સંભાળ્યો છે. આ તરફ શિવસૈનિકોના બાગી ધારાસભ્યોના કાર્યાલયોમાં તોડફોડને પગલે પોલીસે મુંબઈમાં કલમ 144 લાગુ કરી દીધી છે.