કેન્દ્ર સરકારમાં ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ સાત મહિના બાદ નોરતામાં ગુજરાત આવી રહ્યા છે. નવરાત્રીની શરૂઆતમાં તા.17 ઑક્ટોબર અને 19 ઑક્ટોબર સુધી તેઓ ગુજરાતમાં રોકાશે. છેલ્લે તેઓ ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતમાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને તેમનો પરિવાર બીજા નોરતે પોતાના પૈતૃક ગામ માણસામાં બહુચરાજી માતાના દર્શન કરવા માટે જવાના છે.
આ પરંપરા તેમણે અચૂક જાળવી રાખી છે. બીજા નોરતે તેઓ પોતાના પરિવાર સાથે માતાજીના દર્શન કરવા માટે માણસા જશે. રાજકીય પક્ષમાંથી મળતી વિગત અનુસાર આ કોઈ રાજકીય મુલાકાત નથી. તા.17મીના મોડી રાત્રે તેઓ અમદાવાદ આવશે. તા.18 ઑક્ટોબરના બીજા નોરતાના પ્રસંગે તેઓ પરિવાર સાથે માણસામાં માતાજીના દર્શન કરવા માટે જશે. જ્યારે તા. 20 ઑક્ટોબરના રોજ ફરી દિલ્હી જવા માટે રવાના થશે. આ દરમિયાન કોઈ ખાસ મિટિંગ કે બેઠકનું કોઈ આયોજન નથી. આ એમનો અંગત પારિવારિક પ્રવાસ છે. તેઓ બહુચરાજી મંદિરે નોરતા નિમિતે થનારી મહાઆરતીમાં પણ ભાગ લેશે. લોકડાઉન દરમિયાન તેમણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મતક્ષેત્ર ગાંધીનગરમાં પ્રજાને સુરક્ષિત રહેવા માટે અપીલ કરી હતી. આ સાથે સંજીવની રથ સહિતની આરોગ્ય સેવામાં વધારો કરવા માટે આદેશ આપ્યા હતા. લોકડાઉન બાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પણ વીડિયો કોન્ફરન્સ યોજી અમદાવાદ-ગાંધીનગરમાં અનેક વિકાસકાર્યની શરૂઆત કરાવી હતી. તથા કેટલાક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.
ગુજરાત વિધાનસભાની આઠ બેઠક માટે પેટાચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આવા માહોલમાં અમિત શાહની ગુજરાત મુલાકાતને કેટલાક લોકો રાજકીય પ્રવાસ માની રહ્યા હતા. પરંતુ, આ દરમિયાન તેઓ કોઈ બેઠક કે રાજકીય મિટિંગ કરવાના નથી. જોકે, લિંમડીમાં ઉમેદવાર નક્કી કરવા માટે કમલમમાં એક હાઈલેવલની મિટિંગનું આયોજન થયું હતું. દિલ્હીથી સાત બેઠકો પર નામ નક્કી થયા હતા. સોમવારે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ચૂંટણી ઈન્ચાર્જ શંકર ચૌધરી સહિતના આગેવાનોએ ઉમેદવારને લઈને ચર્ચા કરી હતી. લિંમડીમાં જીત અંગેની ખાસ રણનીતિ પણ તૈયાર કરવામાં આવી હતી. પણ આ મુદ્દે કોઈ પદાધિકારીએ ચોક્કસ નિવેદન આપ્યું નથી. મોરબીમાં કોંગ્રેસે પાંચ વખત હારી ચૂકેલા જયંતિલાલને જ્યારે ધારીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીના પુત્રને ટિકિટ આપી છે.