રાજ્યના અનેક વિસ્તારોમાં હાલ કાળઝાળ ગરમીની વચ્ચે વાદળછાયું વાતાવરણનું નિર્માણ થઇ રહ્યુ છે. ત્યારે આજે હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તાપમાનમાં મોટા ફેરફાર થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી નથી.
અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આજે કરેલી આગાહીમાં બે દિવસ વરસાદ અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પર જે સાયક્લોનિક સરક્યુલેશન બનેલું હતુ તે હવે રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ વળ્યુ છે. જેના કારણે આજે અને આવતીકાલે બે દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી છે.રામાશ્રય યાદવે આગાહીમાં જણાવ્યુ છે કે, આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરાવલી, મહિસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળે સામાન્ય વરસાદની શક્યતા છે. આવતીકાલે એટલે રવિવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે સામાન્ય વરસાદની શક્યતા છે
મોસમ વૈજ્ઞાનિકે તાપમાન અંગેની વાત કરતા જણાવ્યુ છે કે, આગામી સમયમાં બે દિવસ તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળશે નહીં. જે બાદ બેથી ચાર ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 45ડિગ્રી અને ગાંધીનગરમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ છે. આજે બંને શહેરોમાં 40 ડિગ્રીની તાપમાન જવાની શક્યતા પણ છે.આ સાથે તેમણે જણાવ્યુ કે, દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો અહીં ત્રણ દિવસ ડિસકમ્ફર્ટ સિચ્યુએશનની સ્થિતિનું નિર્માણ થશે. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ કે, ‘ઉત્તર ઓમાન તરફ એક સિસ્ટમ સક્રિય થશે. જે સિસ્ટમનો માર્ગ ભારત તરફ રહેવાની શક્યતા છે. જેના કારણે 23થી 25 એપ્રિલના વાદળછાયુ વાતાવરણ રહેશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે. પ્રિ મોન્સુન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતા હોય છે. અરબ દેશોમાંથી ધૂળની ડમરીઓ આવશે. એપ્રિલ અને મે મહિનામાં પ્રિ મોન્સુન એક્ટિવિટી થશે અને ભારે હલચલ જોવા મળશે. ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા રહેશે.’