આખું પ્લેન ભાડે કરી અમેરિકા ઘુસવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. દુબઈથી આવેલા જે પ્લેનને જમૈકાએ તેના દેશમાં રોકીને રાખ્યું હતું એ પ્લેન હવે ત્યાંથી નીકળી ચૂક્યું છે. માહિતી મુજબ 6 દિવસની તપાસ બાદ પ્લેન જમૈકાથી ઉડાન ભરી ફરી પાછું દુબઈ પહોંચી ગયું છે. આ પ્લેનમાં ક્રુ મેમ્બર સહિત 253 લોકો સવાર હતા, જેઓ કોઈ પણ રીતે અમેરિકામાં ઘુસવાની ફિરાકમાં હતા. જમૈકામાં પકડાયેલા પ્લેનની વિગતોની અમેરિકાના ઓફિસરોને જાણ થઈ જતા આ આખું ષડયંત્ર નિષ્ફળ ગયું હતું.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કેરેબિયન દેશ જમૈકાના રાજધાની કિંગ્સ્ટનમાં ગત તારીખ 2 મે, ગુરૂવારના રોજ ફસાયેલી XG201 નંબરની ફ્લાઇટ 7 મે, મંગળવાર સવારે 12 વાગ્યાની આસપાસ નોર્મન મેન્લી એરપોર્ટ પરથી ઊડી હતી. દુબઈથી વાયા ઈજિપ્ત થઈને આવેલી આ ફ્લાઈટમાં 253 મુસાફરોમાંથી મોટાભાગના ગુજરાતી અને પંજાબી હતા. જેમની તપાસમાં ડોક્યુમેન્ટ યોગ્ય ન જણાતા તમામ મુસાફરોને હોટલમાં લઈ જઈ તપાસ કરવામાં આવી હતી. પાંચ દિવસ બાદ અચાનક આ ફ્લાઈટ જમૈકાથી ઉડાન ભરી લીધી હતી. જમૈકાથી આ ફ્લાઈટ ક્યાં ગઈ એની કોઈને ખબર નહોતી.
પરંતુ માહિતી અનુસાર આ ફ્લાઇટ જમૈકાથી ઊડ્યા બાદ સીધી દુબઈ પરત ફરી છે. જમૈકામાં આ ફલાઈટને કારણે થયેલા હોબાળાને કારણે આસપાસના દેશોને પણ આ અંગે જાણ થઈ હતી. વધુમાં જ્યાં આ લોકોને મોકલવાના હતા એ અમેરિકાના ઓફિસરોને પણ આ અંગેની જાણ થઈ ગઈ હતી, જેથી લોકોને ગેરકાયદેસર અમેરિકા મોકલતા એજન્ટોનો આખો પ્લાન ફેઇલ થયો હતો અને દુબઈથી જ શરૂ થયેલી ફ્લાઇટે દુબઈ ખાતે પરત ફરવું પડ્યું હતું. એજન્ટોએ દુબઈ એટલા માટે પસંદ કર્યું છે, કારણ કે દુબઈમાં ભારતીયો માટે ઓન-અરાઇવલ વિઝા છે.
આ પણ વાંચો : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 39 દિવસ પછી તિહાર જેલમાંથી બહાર આવ્યા.
સૂત્રોનું માનીએ તો દુબઈ પાછી ફ્લાઈટ લાવવી પડી છતાં કબૂતરબાજીમાં સંડોવાયેલા એજન્ટો હજુ પણ હાર માન્યા નથી અને તેઓ કોઈપણ રીતે પ્લેનમાં સવાર લોકોને અમેરિકા મોકલવાની પેરવી કરી રહ્યા છે. જેના ભાગરૂપે જ અમેરિકાથી નીકળેલી ફ્લાઇટ હાલમાં દુબઈ રોકાઈ છે. જ્યાંથી તે બેંગકોક (થાઈલેન્ડ) જવાની પેરવી કરી રહ્યા છે. બેંગકોંકથી નવું વિમાન ભાડે કરીને કોઈ નવી લાઇન દ્વારા અમેરિકા મોકલવાનો પ્લાન કરી રહ્યા છે.
દુબઈથી બારોબાર બેંગકોક જવા પાછળ બીજું એક મહત્ત્વનું કારણ એ પણ છે કે જો આખી ફ્લાઇટ પરત ફરે તો એજન્ટ અને મુસાફરો પર કેસ થાય. જે રીતે ફ્રાન્સમાં પકડાયેલી ડોન્કી ફ્લાઇટના મુસાફરોની અગાઉ CID ક્રાઇમે પૂછપરછ કરી હતી, તેવી રીતે આ ફ્લાઈટના મુસાફરોની પણ પૂછપરછ થાય એવો તેમને ડર છે.
મળતી માહિતી મુજબ આખા ષડયંત્રમાં મોસ્કોમાં રહેતા એજન્ટ રવિનો મોટો હાથ છે. તેનું ઘણું જ મોટું નેટવર્ક છે. તેણે આ રીતે અગાઉ 25થી વધુ ચાર્ટર્ડ પ્લેનમાં લોકોને યુએસ પહોંચાડી દીધા છે. ચાર્ટર્ડ બુક કરવા માટે પહેલા 8 કરોડ રૂપિયા ડિપોઝિટ ભરવી પડે છે. એક પ્લેનમાં 250 લોકોને લઈ જતાં હોય છે. સામાન્ય રીતે અમેરિકા જવા માટે એક વ્યક્તિનો ગુજરાતનો ભાવ 70 લાખનો છે, જ્યારે પંજાબમાં 40થી 50 લાખ રૂપિયા ભાવ ચાલે છે.
જે રીતે અગાઉ દુબઈથી ઉપડેલી ફ્લાઈટ ફ્રાન્સમાં પકડાઈ હતી, એ જ રીતે જમૈકામાં પણ ફ્લાઈટ પકડાઈ હોઈ શકે છે. દુબઈથી મેક્સિકો સુધી પહોંચી શકાય એટલું ફ્યુયલ ફ્લાઈટમાં હોતું નથી. તેમને ફ્યુઅલ ભરવા માટે વચ્ચે કોઈ દેશમાં ઉતરવું જ પડે છે. પાંચ મહિના પહેલા દુબઈથી ફ્લાઈટ ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ફ્યુઅલ ભરાવવા ઉતરી હતી અને એરપોર્ટ ઓથોરિટીને શંકા જતા ષડયંત્ર બહાર આવ્યું હતું. એ જ રીતે આ ફ્લાઈટ દુબઈથી ઉડી ફ્યુઅલ ભરાવવાની વિનંતી કરીને જમૈકા ઉતરી હોઈ શકે છે. જેથી જમૈકાની એવિએશન ઓથોરિટીએ તેમને ઉતરવા દીધા હશે પણ પેસેન્જરના ડોક્યુમેન્ટની ચકાસણીમાં શંકા જતા ગરબડ સામે આવી હતી.