આખું પ્લેન ભાડે કરી ગુજરાતીઓને અમેરિકામાં ઘુસાડવાનું વધુ એક ષડ્યંત્ર બહાર આવ્યું છે. દુબઈથી ઉડાન ભરીને નીકળેલા પ્લેનને કેરેબિયન દેશ જમૈકામાં રોકી દેવામાં આવ્યું છે. આ પ્લેનમાં કુલ 253 મુસાફર હતા, જેમાં 150થી 175 ભારતીય સવાર હતા. એમાંથી મોટા ભાગના ગુજરાતીઓ અને પંજાબીઓ છે. આ ઘટના 6 દિવસ પહેલાંની છે. હાલ તમામ પેસેન્જરને હોટલમાં નજરકેદ કરી પૂછપરછ ચાલુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, જમૈકાના કેપિટલ સિટી કિંગ્સ્ટનમાં આવેલા નોર્મન મેન્લી એરપોર્ટ ખાતે ગઈ તારીખ 2 મે, ગુરુવારે એક ફ્લાઇટ આવી પહોંચી હતી. એરપોર્ટ ઓથોરિટીના ઓફિસરોને શંકા જતાં આ ફ્લાઇટની તપાસ કરી હતી, જેમાં 253 જેટલા લોકો હતા. એમાંથી મોટા ભાગના ભારતીયો હતા અને બાકીના ઉઝબેકિસ્તાનના નાગરિકો હતા. આ તમામ પેસેન્જરો અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં હતા, એવું હાલમાં સામે આવી રહ્યું છે.
આ પણ વાંચો : આજે ધો-12 નું પરિણામ : સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર સાયન્સ-કોમર્સ રિઝલ્ટ જોઈ શકાશે.
વધુમાં મળતી માહિતી મુજબ, આ ફ્લાઇટ દુબઈથી ઊપડી હતી અને ઇજિપ્તના કેરો એરપોર્ટ ખાતે રોકાઈ હતી, જ્યાંથી ઉઝબેકિસ્તાનના નાગરિકો એમાં ગોઠવાયા હતા. બાદમાં આ ફ્લાઇટ જમૈકા પહોંચી હતી, જ્યાં ઓફિસરોને ગરબડની જાણ થઈ હતી. આ ફ્લાઇટ મૂળ જર્મન કંપની યુએસસી (યુનિવર્સલ સ્કાય કરિયર)ની છે અને એમાં જર્મન ક્રૂ-મેમ્બર હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને પગલે જર્મન એમ્બેસી પણ તપાસમાં જોડાઈ છે. આ ચાર્ટર્ડ પ્લેન એરબસ A340 છે. પ્લેનમાં બેઠેલા લોકો પાસે જમૈકા આવવાની મંજૂરી ઉપરાંતના દસ્તાવેજો નહોતા.
પ્રાથમિક તપાસમાં મુસાફરો પાસે જરૂર દસ્તાવજો ન મળતાં જમૈકાના સત્તાવાળા હરકતમાં આવ્યા હતા. એરપોર્ટ પર આટલા બધા મુસાફરોને રાખવા માટે ડિટેન્શન સેન્ટર કે રિમાન્ડ રૂમ ન હોવાથી તેમને હોટલમાં લઈ જવામાં આવ્યા હતા. મુસાફરોને કિંગ્સટનની ફોર સ્ટાર હોટલ રોકમાં રાખવામાં આવ્યા હતા. જોકે દરમિયાન કેટલાક પેસેન્જર હોટલની બહાર ફરતાં તેમજ શોપિંગ કરતાં જોવા મળ્યા હતા. શોકિંગ વાત એ છે કે આ પહેલાં આ જ રીતે 5-6 ચાર્ટર્ડ જતાં રહ્યાં હતાં.
સૂત્રોના કહેવા મુજબ, પ્લેનમાં સવાર 218માંથી મોટા ભાગના ભારતીય છે. એમાં પણ મોટા ભાગના ઉત્તર ગુજરાતના લોકો સવાર છે, જેઓ અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં હતા. આ લોકોને ઘુસાડવામાં ચાર ગુજરાતી એજન્ટની ભૂમિકા સામે આવી છે. અમેરિકામાં ઘૂસવાના ચાલતા નેટવર્કમાં સંડોવાયેલા આ ચાર એજન્ટો તેના ઉપનામથી જાણીતા છે, જેમાં શંકરપુરાનો ઘનશ્યામ, હસમુખ બિલાડી, રવિ મોસ્કો અને બોબી બ્રાઝિલ સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે.