- હત્યાના આરોપી હિતેશ અને કાજલ મૃતક વેપારી કમલકાંત અને તેની માતા સરલાબેન
મુંબઈ,
સાંતાક્રુઝના ગુજરાતી વેપારી કમલકાંત શાહની હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાયેલી પત્ની કવિતા ઉર્ફે કાજલે પતિને આર્સેનિક અને થેલિયમ જેવી ઝેરી ધાતુ જૂનથી આપવાનું શરૂ કર્યું હતું. કવિતાએ પતિની ઠંડે કલેજે હત્યા કરવા માટેનું કાવતરું એક વર્ષ પહેલા પ્રેમી સાથે મળીને ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ માટે સ્લો પોઈઝન વિશે અને હત્યા કર્યા બાદ પકડાઈ ન જવાય તે રીતેનું કાવતરું ઘડવાની શોધખોળ કરાઇ હતી, એવું પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. જે રીતે આખા કાવતરાની કડીઓ મળી રહી છે તેને જોતાં હવે મુંબઈ પોલીસે કમલકાંતની માતા સરલા શાહની આખી કેસ હિસ્ટરી તપાસ માટે મગાવી છે, જેથી તેમનાં મૃત્યુમાં આ બંનેનો હાથ છે કે નહીં તે સુનિશ્ર્ચિત કરી શકાય. પોસ્ટમોર્ટમના અહેવાલમાં જણાવવામાં આવ્યા મુજબ કમલકાંતના શરીરમાં આર્સેનિકનું પ્રમાણ ૪૦૦ ગણું હતું અને તેથી તેમના અંગો કામ કરતાં બંધ થયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું. નોંધનીય છે કે સરલા શાહના મૃત્યુ માટે કારણભૂત લક્ષણો પુત્ર કમલકાંત જેવાં હોવાથી તેમને પણ ખાવા-પીવામાં આર્સેનિક અને થેલિયમ આપી મારી નાખવામાં આવ્યા હોવાની શંકા તપાસવામાં આવી રહી છે.
આ કેસની તપાસ સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ કવિતાના પ્રેમી હિતેશ જૈને ગૂગલ પર ‘સ્લો પોઈઝન’ સર્ચ કર્યું હતું. સર્ચ દરમિયાન આર્સેનિક અને થેલિયમ વિશે તેને જાણવા મળ્યું હતું. આર્સેનિક અને થેલિયમ ક્યાંથી મળે, તે આપવાથી વ્યક્તિ કેટલા દિવસમાં મૃત્યુ પામી શકે, તે કેટલા પ્રમાણમાં આપી શકાય જેથી પુરાવા મળી ન શકે વિગેરે વિશે પણ સર્ચ કરવામાં આવી હતી. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે આ બધી સર્ચ ગયા વર્ષે અને ચાલુ વર્ષના પ્રારંભમાં કરવામાં આવી હતી.
દરમિયાન કમલકાંત શાહની કોલ્હાપુરના ઇચલકરંજીમાં રહેતી બહેન કવિતા લલવાણીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કમલકાંત જીવનની છેલ્લી ઘડીઓ ગણતા હતા ત્યારે પણ કાજલ હોસ્પિટલમાંથી નીકળી ગઇ હતી. ઉપરાંત કમલકાંતના મૃત્યુ બાદ પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો ત્યારે કાજલે તીવ્ર વિરોધ કર્યો હતો.
કમલકાંતની સારવાર દરમિયાન લોહીના પરીક્ષણમાં આર્સેનિક અને થેલિયમ અતિશય પ્રમાણમાં મળી આવતાં ડોક્ટરોએ પરિવારજનોને પણ લોહીનું પરીક્ષણ કરાવી લેવાની સલાહ આપી હતી. જોકે કાજલે આ માટે ઇનકાર કરી દીધો હતો. કમલકાંતને બચાવવા માટે વિષનાશક તરીકે બાલ નામે દવા મેળવવા જણાવ્યું ત્યારે તમામ લોકો તે શોધવા માટે પ્રયાસ કરવા લાગ્યા હતા, પરંતુ આવા સમયે કાજલ હોસ્પિટલમાંથી નીકળી ગઇ હતી, એવું એફઆઇઆરમાં જણાવાયું હતું.