ગુજરાતીનો દબદબો,ગુજ્જુ ભાઈ સતત ત્રીજીવાર અમેરિકાની સેરોટીસ સિટીના મેયર બન્યા

રાજકોટ, વધુ એક ગુજરાતીએ અમેરીકામાં ડંકો વગાડ્યો છે. અમેરિકામાં રહેતા અને મૂળ ઉપલેટાના વતની નરેશભાઇ સોલંકી અમેરિકાના કેલિફોનયા રાજ્યના સેરોટીસ સિટીના સતત ત્રીજીવાર મેયર બન્યા છે. તેઓ મેયર બનતા ઉપલેટા, સૌરાષ્ટ્ર અને દેશનું નામ રોશન કર્યું છે. તેઓએ સમગ્ર વિશ્ર્વમાં ગુજરાતી અને રાજકોટનું ગૌરવ વધાર્યું છે. આમ, એક ગુજરાતીએ અમેરિકામાં દબદબો કાયમ કર્યો છે.

મૂળ ઉપલેટાના સોરઠીયા આહીર સમાજના નરેશ સોલંકી વર્ષોથી અમેરિકાના કેલિફોનયામાં સ્થાયી થયા છે. વર્ષ ૧૯૮૮ માં તેમનો પરિવાર સેરોટિસ શહેરમાં સ્થાયી થયો હતો. વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૫ સુધી તેઓ પ્લાનિંગ કમિશનરની પોસ્ટ પર રહ્યા હતા. તેના બાદ વર્ષ ૨૦૧૫ માં તેઓ સેરીટોસ સિટી કાઉન્સિલમાં ચૂંટાયા હતા. ત્યાર બાદ ૨૦૨૦ માં ફરીથી ચૂંટાયા હતા. વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ માં મેયર પ્રોટેમ અને વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ માં મેયર બન્યા હતા.

સતત ત્રીજીવાર શહેરના મેયર બનવું એટલે તે બતાવે છે કે તેઓ અમેરિકામાં કેટલા લોકપ્રિય છે. આ સમાચારથી ઉપલેટા અને સમસ્ત આહીર સમાજનુ ગૌરવ વયું છે. તેમનો પરિવાર વતનનુ ૠણ ચૂકવવા માટે છેલ્લાં ૨૧ વર્ષોથી ઉપલેટામાં દર ડિસેમ્બર મહિનામાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરે છે. તેઓ કેલિફોનયામાં રિટેઈલ ગ્રોસરી સુપરમાર્કેટ કંપનીના સીઈઓ ને પ્રેસિડન્ટ પણ રહી ચૂક્યાં છે. તેમના પરિવારમાં પત્ની અને બે દીકરા જય અને મેહુલ છે. ઉપલેટામાં રહેતા તેમના સંબંધીઓ તેમની આ સફળતાથી ખુશ થયા છે.