
વૉશિંગ્ટન, ગુજરાતી મૂળની ભાવિની પટેલે અમેરિકન કોંગ્રેસના નીચલા હાઉસની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. પેન્સિલવેનિયાની ૧૨મી ડિસ્ટ્રિક્ટ બેઠક પરથી ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવાર ભાવિની પટેલે તેની કારકિર્દીની શરૂઆત એક ફૂડ ટ્રકથી કરી હતી. ઓક્સફર્ડમાં સ્ટડી કર્યા બાદ એક ટેકનોલોજી સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું.
ભાવિની પટેલના પેરેન્ટ્સ ગુજરાતમાંથી અમેરિકા સ્થાઈ થયા હતા. ભાવિનીનો જન્મ અમેરિકામાં થયો હતો. ૩૦ વર્ષનાં ભાવિની પટેલે ઓક્સફર્ડ યુનિવસટીમાંથી ડિગ્રી મેળવી હતી. ભાવિની પટેલે એક સમયે ફૂડ ટ્રકથી કારકિર્દી શરૂ કરી હતી. ઈન્ડિયા ઓન વ્હિલ નામના ફૂડ ટ્રકથી સંઘર્ષ કર્યા બાદ ભાવિનીએ એક ટેકનોલોજીનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. એ સ્ટાર્ટઅપ સફળ થયું હતું. હવે ભાવિનીએ રાજકારણમાં ઝંપલાવ્યું છે.
પેન્સિલવેનિયાના ૧૨મી ડિસ્ટ્રિક્ટ બેઠક પરથી ડેમોક્રેટિક પાર્ટી વતી એ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણી લડી રહી છે. અમેરિકન કોંગ્રેસના આ નીચલા હાઉસમાં એ બેઠક પરથી ડેમોક્રેટિક પાર્ટીની જ સમર લી સાંસદ હતી, પરંતુ અમેરિકન પોલિસીને લગતા કેટલાક મુદ્દામાં તેનો ઓપિનિયન સ્થાનિક લોકોને પસંદ પડયો ન હોવાથી તેની લોકપ્રિયતા ઘટી ગઈ છે. એ કારણે ભાવિની પટેલની ઉમેદવારીનો માર્ગ મોકળો બન્યો હતો. આ ચૂંટણી આગામી ૨૩મી એપ્રિલે થશે. ભાવિની પટેલે ચૂંટણી કેમ્પેઈન શરૂ કરી દીધું છે. ચૂંટણી માટે આ ગુજરાતી મૂળની યુવતીએ ૩ લાખ ડોલર જેવી રકમ પણ ઉઘરાવી છે. તેને ૩૩ સ્થાનિક અધિકારીઓનું સમર્થન મળી ચૂક્યું છે, જેમાં મેયરનો પણ સમાવેશ થાય છે.