સુરત,અભિનેતા અને પ્રોડ્યુસર સોહન માસ્તર અને તેના પરિવાર સામે હરણી પોલીસ સ્ટેશનમાં દહેજ માટે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. પરિણીતાએ સોહન માસ્તર અને તેના પરિવારજનો પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે લગ્ન સમયે ૪૫ તોલા સોનાના દાગીના, ચાંદીના દાગીના અને કાર આપી હોવા છતાં પતિ અને તેના પરિવારજનો ત્રાસ આપતા હતા. હાલ પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે પતિ સોહન રાજેન્દ્રભાઇ માસ્તર, સાસુ અમિષાબેન તથા દાદા સસરા વિઠ્ઠલભાઇ માસ્તર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર, સુરતના વીઆઇપી રોડ પર રહેતી પરિણીતાએ હરણી પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીએ જણાવ્યું છે કે, જુલાઈ ૨૦૧૯ના રોજ સોહન માસ્તર અને તેમના સંબંધીઓ મને ઘરે જોવા આવ્યા હતા. જે બાદ બંનેના પરિવારે અમારા લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ અમારી સગાઈ હતી અને તા.૨૮/૧૧/૨૦૧૯ના રોજ અમારા લગ્ન કરવાનું નક્કી થયું હતું.
અમારા લગ્ન નક્કી થયા બાદ સોહન માસ્તરે મને જણાવ્યું હતું કે મારે અત્યારે સિરિયલનું શુટિંગ ચાલે છે, તેથી લગ્નના ફોટા બહાર પાડવા નહીં અને તું મારી પત્ની છું તેવું કોઈને કહેવાનું નહીં, કારણ કે તેના લીધા મારી સિરિયલ પર અસર પડશે. જેથી હું તેમની વાત માની ગઈ હતી. ત્યાર બાદ તેઓ મને તાપી નદીના કિનારે આવેલા એક મંદિરમાં દર્શનના બહાને લઈ ગયા હતા, જ્યાં તેઓએ અગાઉથી જ લગ્નની તૈયારીઓ કરી દીધી હતી. આ મંદિરમાં જ અમારા લગ્ન કરી દેવામાં આવ્યા હતા. લગ્નના ફોટા પણ પાડવા દેવામાં આવ્યા નહોતા.
લગ્ન બાદ તેઓ મને કોઈ સગા-સંબંધીઓના ઘરે પણ લઈ જતા નહતા, મારી સાથે મારઝૂડ કરતા હતા. મારા પિતાએ લગ્ન સમયે ૪૫ તોલા સોનું, કાર અને ચાંદીના દાગીના આપ્યા હોવા છતાંય ત્રાસ આપતાં હતા. મને પ્રેગનન્સી રહેતા મારા પતિ સોહન માસ્ટર મને મારા પિતાના ઘરે છોડી ગયા હતા. હું છેલ્લા ૨ વર્ષથી પિયરમાં રહું છું, મે અનેકવાર તેઓને ફોન કર્યા હતા. પરંતુ તેઓ કોઇ જવાબ આપતા નથી.
હાલ પોલીસે ઉપરોક્ત ફરિયાદના આધારે પતિ સોહન માસ્તર, સાસુ અમિષાબેન તથા દાદા સસરા વિઠ્ઠલભાઇ માસ્તર સામે કાર્યવાહી હાથ ધરી છે.