ગાંધીનગર,
આજે ગાંધીનગર એસટી ડેપો ખાતે ૧૫૧ બસોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર એસ.ટી.બસ સ્ટેશન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે કુલ ૫૩ કરોડ રૂપિયાના ખર્ચે નવી ૧૫૧ બસ મુસાફર જનતાની સેવામાં કાર્યરત કરી છે. મુખ્યમંત્રીએ ૪૦ સ્લીપર કોચ અને ૧૧૧ લક્ઝરી કોચ એમ કુલ ૧૫૧ બસનું ગાંધીનગરમાં બે ડ્રાઇવર ભાઈઓને બસ ની ચાવી પ્રતીક રૂપે આપીને લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ એસ.ટી. નિગમની અન્ય એક વધુ મુસાફર સુવિધા સેવા ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પણ પ્રારંભ કરાવ્યો હતો.આ સિસ્ટમ કાર્યરત થવાથી મુસાફરોને પૂછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના ઓડિયો સિસ્ટમ મારફતે બસનો રૂટ, બસ નંબર, સ્ટોપેજીસ અને બસ ક્યા પ્લેટફોર્મ પર આવશે તેની સંપૂર્ણ વિગતો મળતી થઈ જશે. ગુજરાત એસટી નિગમે નાગરિક મુસાફરોની સુવિધામાં સતત વૃદ્ધિના અભિગમ સાથે રૂપિયા ૩૧૦ કરોડની નાણાકીય જોગવાઈ સાથે એક હજાર નવી બસ સંચાલનમાં મૂકવા કાર્ય આયોજન કર્યું છે. આ ૧,૦૦૦ બસમાંથી ૫૦૦ સુપર એક્સપ્રેસ, ૩૦૦ લક્ઝરી અને ૨૦૦ સ્લીપર કોચ ક્રમશ: મુસાફરોની સેવામાં મૂકવામાં આવી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રીન ક્લિન એનર્જીને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતામાં સૂર પુરાવતા એસટી નિગમે ઝીરો એર પોલ્યુશન ધરાવતી ૫૦ ઇલેક્ટ્રીક બસ સંચાલનમાં મૂકી છે અને હજુ વધારે ૫૦ ઇ બસ નાગરિકોની સેવામાં આવનારા દિવસોમાં શરૂ કરાશે.