- એક દિવસના સત્રમાં કોંગ્રેસનું ગૃહમાંથી વોક આઉટ
- રાજ્યપાલના સંબોધન પર ચર્ચાની માગ પર વોક આઉટ
- કોંગ્રેસે રાજ્યપાલના સંબોધન પર વધારે સમય ચર્ચાની કરી માગ
- સરકારે પ્રથમ દિવસે નિયમભંગ કર્યોઃ અર્જુન મોઢવાડિયા
આજે 15મી વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યું હતું. જોકે, વિધાનસભાના પહેલા દિવસે જ કોંગ્રેસે હોબાળો મચાવી ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન પરના આભાર પ્રસ્તાવ અંગે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. રાજ્યપાલના આભાર પ્રવચનની કોપી ન મળી હોવાથી આભાર પ્રસ્તાવ અંગે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. આજે સરકારી વિધેયકને પ્રાથમિકતા આપી આભાર પ્રસ્તાવ પર ચર્ચા અન્ય દિવસે કરવા વિનંતી કરવામાં આવી હતી. જો કે, હોબાળા બાદ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.
કોંગ્રેસે રાજ્યપાલના સંબોધન પર વધારે સમય ચર્ચાની કરી માગ
વોક આઉટ બાદ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યપાલના પ્રવચન પર 4 દિવસની ચર્ચા હોય છે. સરકારે ચર્ચા ન કરીને નિયમનો ભંગ કર્યો છે. અમારા ટેબલ પર હજુ કોપી પહોંચી નથી. નિયમોનો પહેલા જ દિવસે ભંગ થઈ રહ્યો છે. કામકાજ સલાહકાર સમિતિમાં રાજ્યપાલના આભાર પ્રસ્તાવની ચર્ચા ક્યારે કરવાની છે તે પણ થઈ નથી. પ્રજાનો અવાજ વિધાનસભામાં મૂકવાનો હોય છે તેનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. નિયમોના ઉલ્લંઘન કરવામાં આવ્યું માટે અમે પ્રથમ દિવસે વોક આઉટ કરી વિરોધ કર્યો છે. અમે રાજ્યપાલ અને અધ્યક્ષને પત્ર લખીને ફરિયાદ કરીશું.
રાજ્યપાલના સંબોધન પર ચર્ચા માટે વધારે સમય આપવો જોઈએઃ શૈલેષ પરમાર
તો શૈલેષ પરમારે પણ રાજ્યપાલના સંબોધન બાબતે વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું હતું કે, આભાર પ્રસ્તાવમાં વિપક્ષ સુધારાના સૂચન કરી શકે છે. રાજ્યપાલના સંબોધન પર ચર્ચા માટે વધારે સમય આપવો જોઈએ.
બંધારણીય જોગવાઇનો ભંગ થયો નથીઃ પ્રફુલ પાનસેરીયા
આ અંગે રાજ્યકક્ષાના સંસદીય બાબતોના મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, એક દિવસના સત્રમાં કોઈ નીતિ વિષયક નિર્ણય લેવાના ન હતા. 29 ડિસેમ્બર 2002માં પણ એક દિવસય સત્ર મળ્યું હતું. રાજ્યપાલના પ્રવચનની આભાર વિધીની ચર્ચા માટે અધ્યક્ષે સમય આપ્યો હતો. જ્યારે રાજ્યપાલના પ્રવચનની બુકલેટ પણ ટેબલના ખાનામાં મુકવામાં આવી હતી. બંધારણની જોગવાઈનો કોઈ ભંગ થયો નથી. કોંગ્રેસ કોઈપણ મુદ્દે વિરોધ કરવા માંગતી હતી.